અમે પેરિયારે બતાવેલા માર્ગ પર ચાલીશુંઃ થલાપતિ વિજય

થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાના રાજકીય પક્ષની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પક્ષની પહેલી રેલી યોજાઈ હતી, જેમાં તેણે પક્ષની વિચારધારા સહિતની બાબતે સ્પષ્ટતા કરી હતી.

અમે પેરિયારે બતાવેલા માર્ગ પર ચાલીશુંઃ થલાપતિ વિજય
image credit - Google images

તમિલ સુપરસ્ટાર (Tamil Super star) અને દેશના હાઈએસ્ટ પેઈડ એક્ટર (The country's highest paid actor) થલાપતિ વિજયે (Thalapathy Vijay) પોતાનો રાજકીય પક્ષ (political party) શરૂ કર્યો છે. ગઈકાલે તેના પહેલી રેલી યોજાઈ હતી, જેમાં વિજયે પક્ષની વિચારધારા (ideology) અને લક્ષ્યાંકો (targets) વિશે વિસ્તારથી વાત કરી હતી.

વિજયે પોતાના લાખો સમર્થકોની હાજરીમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમનો પક્ષ પેરિયારે (EV Ramasamy Periyar) બતાવેલા માર્ગ પર આગળ વધશે. અને દ્રવિડ રાજનીતિ (Dravidian politics) તથા તમિલ ભાષા (Tamil language) અને તમિલિયનો (Tamilian) માટે સક્રિય રીતે કામ કરશે.

તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં યોજાયેલી ભવ્ય રેલીમાં થલાપતિ વિજયે (Thalapati Vijay) તેમની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (Tamilga Vettri Kazhagam) ની વિચારધારા (ideology) અને ધ્યેયો (targets) શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્પ વિશે વિગતવાર સમજાવ્યું.

રેલીમાં લાખોની ભીડ ઉમટી
તમિલગા વેત્રી કઝગમ (TVK) ની પહેલી રેલી રવિવારે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિકરાવંદીમાં યોજાઈ હતી જેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી. રેલીમાં વિજયે સમર્થકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી પરંતુ તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. કેટલાક પક્ષો લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરી રહ્યાં છે, આવી પાર્ટીઓ વૈચારિક સ્તરે આપણી દુશ્મન છે.

ફેબ્રુઆરીમાં પક્ષની સ્થાપના કરી હતી
એક્ટર વિજયે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં કામ કરવા માટે એક અલગ રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ઓગસ્ટ 2024માં તેણે પાર્ટીનો ધ્વજ અને પ્રતીક પણ લોન્ચ કર્યું હતું. Tamilga Vettri Kazhagam ને સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. આ સાથે પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી પણ મળી ગઈ છે. પાર્ટીને માન્યતા મળ્યા બાદ થલાપતિ વિજયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીની પ્રથમ જાહેર સભા કરશે.

ટીવીકે પક્ષની વિચારધારા શું છે?
કોઈપણ રાજકીય પક્ષ વિચારધારા વિના ટકી ન શકે. મફતની વીજળી અને લોકસેવાઓ પર જો કોઈ પક્ષ ટકવા જાય તો તેની હાલત આમ આદમી પાર્ટી જેવી થાય. એટલે જ વિજયે પોતાના પક્ષની વિચારધારા પહેલેથી સ્પષ્ટ કરતા કહ્યું કે તેમનો પક્ષ પેરિયારની વિચારધારા પર આગળ વધશે. 

પક્ષની વિચારધારા સમજાવતા વિજયે કહ્યું હતું, અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ કરીશું નહીં. આ બે આ માટીની આંખો છે. આપણે આપણી જાતને કોઈ ખાસ ઓળખ સુધી સીમિત ન કરવી જોઈએ. TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, ન્યાય, એકતા અને સામાજિક વિકાસની સાથે બિનસાંપ્રદાયિકતાની તરફ વાળવી પડશે.

અમે પેરિયારના રસ્તે ચાલીશુંઃ વિજય
થલાપતિ વિજયે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમની પાર્ટી પેરિયાર દ્વારા બતાવેલ માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્તિકરણ અને સામાજિક ન્યાય મુખ્ય મુદ્દો હશે, જો કે, તેણે પેરિયારના નાસ્તિકતાના સિદ્ધાંતને સ્વીકારવાનો ઈનકાર કરીને હિંદુત્વવાદી રાજનીતિ તરફનો રસ્તો ખૂલ્લો રાખ્યો છે. વિજયે સરકારી કામકાજ માટે તમિલ અને અંગ્રેજી ભાષાની હિમાયત કરવાની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીનું પણ સમર્થન કર્યું હતું. 

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે
વિજયે કહ્યું કે તેમનો પક્ષ વર્ષ 2026માં યોજાનારી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે. આ સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેની પાર્ટી ગઠબંધન માટે તૈયાર છે. તમિલનાડુમાં અત્યાર સુધી કરુણાનિધિ અને હવે એમ.કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને જયલલિતા સ્થાપિત ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું વર્ચસ્વ રહ્યું છે. એવામાં થલાપતિ વિજયનો પક્ષ કેટલું જોર લગાવશે તેના પર સૌ કોઈની નજર રહેશે.

ભાજપ માટે રસ્તો કપરો બનશે
બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં ગાય-ગોબર-ગૌમૂત્રના રાજકારણ માટે ભાજપની સતત ટીકા થતી આવી છે. પણ હવે ભાજપે (BJP) પણ અન્નામલાઈની આગેવાનીમાં આગળ વધવા કમર કસી લીધી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુમાં સમ ખાવા પુરતી એક સીટ પણ મળી નહોતી. એવામાં થલાપતિ વિજયના પક્ષની એન્ટ્રીથી ભાજપનો રસ્તો કપરો બનશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ વિસરાનાઈ - એક રિક્ષાચાલકે લખેલી નવલકથા પરથી બનેલી અદ્દભૂત ફિલ્મ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.