આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન
લોકસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં કેરળ, કર્ણાટક સહિત 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ પણ સામેલ છે.
દેશમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કાઓમાં યોજાઈ રહી છે ત્યારે બીજા તબક્કામાં કુલ 13 રાજ્યોની 88 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કા હેઠળ કેરળના વાયનાડમાં પણ મતદાન થવાનું છે. જ્યાંથી રાહુલ ગાંધી ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. અહીં તેમનો મુકાબલો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) ના નેતા એની રાજા સાથે થશે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ગયા શુક્રવારે ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૬૫.૫ ટકા મતદાન થયું હતું.
આજે ૨૬ એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની તમામ ૨૦ બેઠકો, કર્ણાટકની ૨૮માંથી ૧૪ બેઠકો, રાજસ્થાનની ૧૩ બેઠકો, મહારાષ્ટ્રની ૮ બેઠકો, ઉત્તર પ્રદેશની ૮ બેઠકો, મધ્ય પ્રદેશની ૭ બેઠકો, આસામની ૫ બેઠકો, બિહારની ૫ બેઠકો, છત્તીસગઢની ૩ બેઠકો, પશ્ચિમ બંગાળની ૩ બેઠકો, મણિપુરની એક, ત્રિપુરાની એક તથા જમ્મુ-કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે.
આજે થઈ રહેલા મતદાનમાં જે અગ્રણી નેતાઓનું ભાવિ નક્કી થવાનું છે તેમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની (ઉત્તર પ્રદેશ), અરૂણ ગોવિલ (ઉત્તર પ્રદેશ), રાહુલ ગાંધી (વાયનાડ), શશી થરુર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી કે શિવકુમારના ભાઇ ડી કે સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામી (જેડીએસ)નો સમાવેશ થાય છે. આજે થઈ રહેલા મતદાન પછી કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ જશે.
અગાઉ ૧૯ એપ્રિલે યોજાયેલી પ્રથમ તબક્કાની ચૂંટણી પછી તમિલનાડુ (૩૯ બેઠકો), ઉત્તરાખંડ (૫ બેઠકો), અરૂણાચલ પ્રદેશ (૨ બેઠકો), મેઘાલય (૨ બેઠકો), આંદામાન અને નિકોબાર (૧ બેઠક), મિઝોરમ (૧ બેઠક), નાગાલેન્ડ (૧ બેઠક), પુડુચેરી (૧ બેઠક), સિક્કિમ (૧ બેઠક), લક્ષદ્વીપ (૧ બેઠક)ની તમામ બેઠકોનું મતદાન પૂર્ણ થઇ ગયું હતું. બીજા તબક્કામાં આજે જે ૮૯ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તે પૈકી ૨૦૧૯માં એનડીએએ ૫૬ અને યુપીએએ ૨૪ બેઠકો જીતી હતી. હવે ત્રીજા તબક્કા હેઠળ સાત મેના રોજ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૪ બેઠકો પર મતદાન યોજાશે.
આ પણ વાંચો:શું EVMમાં ખરેખર ચેડાં થઈ શકે છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.