હોટલોમાં ઘૂસી યુવતીઓના વીડિયો બનાવતો વિશ્વ હિંદુ મહાસંઘનો નેતા ઝડપાયો

હિન્દુ સંગઠનની આડમાં ટોળકી યુવતીઓની છેડતી કરતી હતી અને પશુઓ ભરેલી ગાડીઓને જે તે વિસ્તાર પાર કરાવવા ખંડણી વસૂલતી હતી.

હોટલોમાં ઘૂસી યુવતીઓના વીડિયો બનાવતો વિશ્વ હિંદુ મહાસંઘનો નેતા ઝડપાયો

હોટેલો પર દરોડા પાડવા, રૂમ ખોલીને અંદર જોવું, ત્યાં આવતા પ્રેમીપંખીડાઓનો વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવા, છોકરીઓને હાથ પકડીને ખેંચવી, હોટલ માલિકને ધમકાવી ખંડણી માંગવી - આ તમામ ગુનાઓ અંતર્ગત યુપીના બદાયૂમાં વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુર સહિત છ સામે નામજોગ અને ત્રણ અજાણ્યા તત્વો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

ઘટના બદાયૂના કબૂલપુરની છે. અહીં હિન્દુ સંગઠનની આડમાં આ ટોળકી ઘણા દિવસોથી યુવતીઓની છેડતી અને ખંડણીનો ધંધો કરતી હતી અને તેમની સામે કાર્યવાહી કરાઈ છે. ભૂતકાળમાં મળેલી ફરિયાદના આધારે પણ પોલીસે આ કાર્યવાહી કરી છે. આમાં કેટલાક કહેવાતા મીડિયાકર્મીઓ પણ સામેલ છે. પોલીસે વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે.

યુપીના કબુલપુર વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર કુમારની સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના પટેલ ચોક પાસે મિડટાઉન હોટેલ છે. જેમાં તેઓ ઓનલાઈન હોટલ બૂકિંગ સર્વિસ ઓયેની ફ્રેન્ચાઈઝી ધરાવે છે. પોલીસને ફરિયાદ આપતાં ધર્મેન્દ્રએ કહ્યું કે ગુરુવારે કેટલાક લોકો હોટલના રૂમમાં રોકાયા હતા. નિયમો અનુસાર, તેમને તેમના ઓળખ કાર્ડ વગેરે સબમિટ કર્યા પછી જ રૂમ આપવામાં આવ્યા હતા. રૂમમાં રહેલા તમામ લોકો પુખ્ત વયના હતા.

દાદાગીરી કરી હોટલના રૂમમાં પ્રવેશી ગયા

ફરિયાદીએ જણાવ્યું કે, બપોરે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અન્ય ચાર-પાંચ લોકો આવ્યા અને હોટલના રૂમમાં રોકાયેલા ગ્રાહકોના ઓળખ કાર્ડ દાદાગીરી કરીને ચેક કરવા લાગ્યા. જ્યારે ગ્રાહકોએ વિરોધ કર્યો તો તેઓ બળજબરીથી તેમના રૂમમાં પ્રવેશ્યા અને તેમના આઈડી ચેક કર્યા. તમામ ગ્રાહકોના આઈડી ચેક કર્યા બાદ પણ તેમણે છેડતીના ઈરાદે ત્યાં આવેલી યુવતીઓનો હાથ પકડી લીધો હતો. એ પછી ગાળો ભાંડી ધમકીઓ આપવા લાગ્યા. આ ગેંગે પોતાના મોબાઈલમાં ગ્રાહકોનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કરી દેવાની ધમકી આપવા લાગ્યા હતા. હોટલમાં કેટલાક કપલ્સ પણ રોકાયેલા હોવાથી તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

વીડિયો વાયરલ ન કરવા માટે પૈસાની માંગણી કરી

આરોપ છે કે આ લોકોએ કપલ્સને કહ્યું હતું કે, જો તમે ઈચ્છો છો કે વીડિયો વાયરલ ન થાય તો રૂપિયા આપો. ફરિયાદના આધારે પોલીસે વિશાલ ઠાકુર, કરણ પટેલ, તેજેન્દ્ર કુમાર, બબલુ અને અજાણ્યા વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં વિશાલ ઠાકુર, અમિત પિપ્પલ અને કરણ પટેલનો સમાવેશ થાય છે, જે પોતાને વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ કહે છે. ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

કેટલાક સાગરિતો હજુ પણ ફરાર

સિવિલ લાઇન્સના ઇન્સ્પેક્ટર સંજય સિંહે જણાવ્યું કે આરોપીઓએ હોટલમાં દરોડા પાડવાનો વીડિયો પણ સર્ક્યુલેટ કર્યો છે. જેમાં યુવતીઓનો હાથ પકડનારો બબલુ અને અન્ય કેટલાક લોકો જોવા મળે છે. આ તમામ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસે FIR નોંધાયા બાદ તપાસ શરૂ કરી અને વીડિયો તથા CCTV ફૂટેજના આધારે વધુ બે નામ ઉમેર્યા છે. જેમાં અમિત પિપ્પલ પહેલેથી જ પોલીસને મળી આવ્યો હતો. જ્યારે અજયની શોધખોળ ચાલુ છે.

હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં કાળા કામો

પોલીસે આ મામલે અન્ય કેટલાક આરોપીઓની ઓળખ કરી છે, પરંતુ તેમના નામ મળી શક્યા નથી. થોડા દિવસો પહેલા વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખ વિશાલ ઠાકુરનો ઓડિયો અને વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઓડિયોમાં તે પશુઓના વેપારી સાથે વાત કરી રહ્યો હતો. આ સાથે સ્ક્રીન શોટ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દસ હજાર રૂપિયા નાખવામાં આવ્યા હતા. ઓડિયોમાં પશુઓ ભરેલા વાહનોને બહાર કાઢવા માટેની વાત ચાલી રહી હતી. એ પછી આ ગેંગ પર આરોપો લાગ્યા હતા કે તેઓ હિંદુ સંગઠન અને ગૌરક્ષક દળની આડમાં પશુઓની હેરાફેરી કરતી ગાડીઓને જે તે વિસ્તારમાંથી કઢાવવાનું કામ કરે છે. તેમ છતાં પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ પણ વાંચો: હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.