આજે ભારતરત્ન ડો. આંબેડકરનો 67મો મહાપરિનિર્વાણ દિવસ, ગુજરાતભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન

આજે ડો. આંબેડકરનો 67મો મહાપરિનિર્વાણ દિવસ છે ત્યારે તેમની યાદમાં ક્યાં ક્યો કાર્યક્રમ યોજાવાનો છે તેની વિગતો મેળવીએ.

આજે ભારતરત્ન ડો. આંબેડકરનો 67મો મહાપરિનિર્વાણ દિવસ, ગુજરાતભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન
Photo By Google Images

આજે ભારત રત્ન, બોધિસત્વ ડો. ભીમરાવ આંબેડકરનો 67મો મહાપરિનિર્વાણ દિવસ છે ત્યારે બહુજન સમાજ દ્વારા દેશભરમાં બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ ભવનમાં ડો. આંબેડકરની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ સિવાય સંસદમાં પણ દેશના પ્રથમ કાયદામંત્રીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાશે. રાષ્ટ્રીય સ્તરે અનેક મોટા કાર્યક્રમોનું આયોજન થયું છે.


ગુજરાતની વાત કરીએ તો આજે સૌથી મોટો કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાશે, SSD દ્વારા આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં સવારે 9 વાગ્યે વિશાળ ભીમ રેલીથી થશે. આ રેલી અહીંના જગાણા હાઈવે સ્થિત જૈન મંદિરથી શરૂ થઈ રેલી સ્વરૂપે સિવિલ સર્કલ પહોંચી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચશે, જ્યાં ડો. આંબેડકરને મહા સલામી આપવામાં આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે રામપુર ચોકડી મેદાન, અંબાજી હાઈવે પર મોટું અધિવેશન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં બહુજનો ઉમટી રહ્યાં છે.


અમદાવાદની વાત કરીએ તો અહીં ગુજરાત બૌદ્ધ સમાજ દ્વારા સવારે 10.30 કલાકે સારંગપુર ખાતે ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે બપોરે 3.00 કલાકે પંચશીલ બુદ્ધ વિહાર બાપુનગર ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમમાં ડો. પારિતોષ સરકાર અને દીક્ષાદૂત બાલકૃષ્ણ આનંદના વક્તવ્યનો કાર્યક્રમ છે. આ સિવાય દાણીલીમડા પંચવટી ખાતેથી એક સ્મરણાંજલિ રેલીનું આયોજન કરાયું છે જે રામબાગ આનંદપુર વિહાર થઈ બાબુનગર, મયૂરપાર્ક થઈને કાંકરિયા બુદ્ધ વિહારે પૂર્ણ થશે. આ સિવાય વેજલપુર, ચાંદખેડા, બાપુનગર, ગીતામંદિર, અસારવા, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.


ગાંધીનગર ખાતે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ થકી જાણીતી A3 CLUB દ્વારા પે બેક ટુ સોસાયટીના સિદ્ધાંતને અનુસરીને સંતશ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાતના સહયોગથી ડો. આંબેડકરને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે સંતશ્રી રોહિદાસ મંદિર, સેક્ટર 16 ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. કે.કે. બોરિયા, ડો. નીતિન ગુર્જર, ડો. દિનેશ રાઠોડ, ડો. વિજય મર્ચન્ટ અને ડો. શિલ્પાબેન અમીન સેવા આપશે. આ મેડિકલ કેમ્પ સવારે 10 થી બપોરના 12 કલાક સુધી ચાલશે.


સુરતમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાવાનો છે. અહીં રાંદેર ખાતે આવેલી ડો. આંબેડકરની પ્રતિમા પાસે આયોજિત આ કાર્યક્રમમાં જમીયત ઉલેમા એ હિંદ, ભીલ ફેડરેશન ઓફ ઈન્ડિયા, યુવા કોળી એકતા, સુરત મેઘવાળ સમાજ, જય બુદ્ધ કર્મચારી યુનિયન સહિતના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો એકમંચ પર હાજરી આપી બહુજન સમાજનો અવાજ બુલંદ કરશે. આ કાર્યક્રમમાં બીએસએફઈ નવી દિલ્હીના પ્રો. અમિતા બૌદ્ધ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.


રાજકોટમાં શાપર-વેરાવળમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા બાબા ચોક, સિદ્ધાર્થનગર ખાતે બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ ઉમટી પડવાના છે.


પાટણમાં એસટી ડેપો કર્મચારી મંડળ દ્વારા નવા એસટી ડેપો ખાતે સવારે 10 થી 12 કલાક દરમિયાન ડો. આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.


સુરેન્દ્રનગરના થાનગઢમાં શહિદ સ્મારક બુદ્ધ વિહાર ખાતે ભીમ ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં અંકિત રાઠોડ, મનસુખ રાઠોડ અને રાજુભાઈ ગાયક દ્વારા ભીમ ભજનોનું રસપાન કરાવાશે.


આ સિવાય અનેક મોટા શહેરો અને ગામડાઓમાં પણ ભીમ ભજન સંધ્યા અને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ તથા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો યોજાવાના છે.

આગળ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.