બિહારમાં 65 ટકા અનામતના નિર્ણય પર સ્ટે યથાવત રહેશેઃ સુપ્રીમ કોર્ટ

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ અનામતની મર્યાદા 50 ટકાથી વધારી 65 ટકા કરવાના નિર્ણય મુદ્દે મોટા સમાચાર આવ્યા છે.

બિહારમાં 65 ટકા અનામતના નિર્ણય પર સ્ટે યથાવત રહેશેઃ સુપ્રીમ કોર્ટ
image credit - Google images

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કર્યા બાદ અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના નીતિશકુમાર સરકારના નિર્ણય પર હાઈકોર્ટે મૂકેલા સ્ટેને દૂર કરવાનો ઈનકાર કરી દીધો છે. એ રીતે હવે બિહારમાં અનામતનો ક્વોટા 50 ટકા જ રહેશે. આજે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર દ્વારા અપાયેલી 65 ટકા અનામતને રદ કરવાના પટના હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે.

બિહાર સરકારે એસસી, એસટી, ઓબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની ટકાવારી 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પટના હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને તેના પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ બિહાર સરકારે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેણે હાઈકોર્ટે મૂકેલો સ્ટે દૂર કરવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે હવે સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ

બિહાર સરકારે 9 નવેમ્બર 2023 ના રોજ એક કાયદો પસાર કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. ગયા વર્ષે બિહાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઓબીસી, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસી સમાજને અનામતનો લાભ મળવાનો હતો.

સરકારનું કહેવું છે કે, જો આ નિર્ણય પર રોક લગાવવામાં નહી આવે તો ભરતી પ્રક્રિયાને અસર થશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણના ડેટાના આધારે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ છે, તેવું હાઈકોર્ટનું નિષ્કર્ષ રાજ્યના વિવેકનું ઉલ્લંઘન કરે છે.

ઉલ્લેખનીય છે કે, પટના હાઈકોર્ટે 20 જૂને અનેક અરજીઓ પર સુનાવણી કરતા રાજ્યમાં વધેલી અનામતની ટકાવારીને રદ કરી દીધી હતી અને તેના સ્ટે મૂકી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ નિયમ બંધારણની કલમ 14, 15 અને 16નો ભંગ કરે છે. આ કલમ રોજગારીની તકોમાં સમાનતા, ભેદભાવની વિરુદ્ધ બચાવના અધિકારની વાત કરે છે.

બિહાર સરકારના વકીલે કહ્યું કે, 50 ટકા અનામતની મર્યાદા જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ તોડવામાં આવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યું હતું કે, રાજ્યમાં ક્યા ક્યા સમાજમાં વધારે ગરીબી છે અને તેમને નોકરી અને શિક્ષણમાં નીતિગત સહકારની જરૂર છે.

આ પણ વાંચો: બિહારમાં 65 ટકા અનામત રદ કરવાને નીતિશ સરકાર સુપ્રીમમાં પડકારશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.