અમદાવાદમાં પુરૂષો કરતા વધારે મહિલાઓએ દારૂની પરમિટ લીધી
દારૂની પરમિટ મેળવવામાં છેલ્લાં બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે.
જાણીને ચોંકી જવાશે પણ હકીકત એ છે કે, અમદાવાદ શહેરમાં સ્ત્રીઓએ લિકર પરમિટ મેળવવામાં પુરૂષોને પાછળ ધકેલી દીધાં છે. આવું કોઈ હવાઈ સર્વેના આધારે નહીં પરંતુ આંકડાઓ કહે છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાં 690 પરમિટ મહિલાઓને અપાઈ છે જ્યારે પુરૂષોને 587 પરમિટ અપાઈ છે.
લિકર પરમિટમાં મહિલાઓનું પ્રમાણ 40 ટકા વધ્યું
અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રિન્યૂ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રિન્યુઅલ અરજીઓમાં હવે પુરૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.
છેલ્લાં બે વર્ષમાં બમણી મહિલાઓએ પરમિટ લીધી
અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.
હોટલો કરોડોનો દારૂ વેચે છે
અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂપિયાની આસપાસનો દારૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂપિયાથી વધારેનો દારૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાનો દારૂ મળશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
RDVASAVABeno ne rojgari no nvo avsar mlyo hoy avu to nathi ne...