હરિઓમ, જપઓમ, શિવઓમે કહ્યું - આ તારા બાપનો રસ્તો છે?

આ ચારેય કોઈ સંતોના નામ નથી પરંતુ માથાભારે તત્વો છે, જેમણે બે દલિત યુવકોનો રસ્તો રોકી ચાકુ-લાકડીઓથી હુમલો કર્યો છે. હાલ બંને યુવકોની હાલત ગંભીર છે.

હરિઓમ, જપઓમ, શિવઓમે કહ્યું - આ તારા બાપનો રસ્તો છે?
image credit - Google images

UP News : જાતિવાદી તત્વોને જાણે બધું તેમના બાપની જાગીર હોય તેમ વર્તવા જોઈએ છે. એમાં પણ જો સામે કોઈ દલિત, આદિવાસી મળી જાય તો આ લોકો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી પર ઉતરી આવે છે. ઘણીવાર તો કારણ વિના જ તેઓ મારામારી ઉતરી આવતા હોય છે.

આ ઘટનામાં પણ એવું જ બન્યું હતું. દલિત યુવક ટોઈલેટ જવા માટે નીકળ્યો હતો અને આ લોકો રસ્તો રોકીને ઉભા રહી ગયા. દલિત યુવકે રસ્તો છોડવા કહ્યું તો આ તારા બાપનો રસ્તો છે? કહીને મારામારી પર ઉતરી આવ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને ચાકુ તથા લાકડીઓથી યુવક પર હુમલો કરી દીધો હતો. તેની રાડો સાંભળીને તેનો ભાઈ તેને બચાવવા આવ્યો હતો. જો કે માથાભારે તત્વોએ તેના પર પણ હુમલો કર્યો હતો. દરમિયાન સ્થાનિક દલિતો એકઠાં થઈ જતા આ લુખ્ખા તત્વો ભાગી ગયા હતા. એ પછી બંને ઘાયલ યુવકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ?

મામલો જાતિવાદના એપીસેન્ટર યુપી (UP) નો છે. અહીં લખનૌ (Lucknow) ના બક્ષીના તળાવ વિસ્તારના મહિંગવા પોલીસ સ્ટેશન (Mahingava Police Station) વિસ્તારમાં બુધવારે રાત્રે એક દલિત યુવક (Dalit youngster) પર ગુંડાઓ (Goons)દ્વારા જીવલેણ હુમલો (attack) કરવામાં આવ્યો હતો, જેણે જાતિવાદ (castiesm) ના ઝેરને ફરી ઉજાગર કરી દીધું હતું. આ ઘટનામાં બદમાશોએ ટોઈલેટ જવા નીકળેલા દલિત યુવક પર છરી અને લાકડીઓથી હુમલો કર્યો. જ્યારે યુવકનો ભાઈ તેને બચાવવા પહોંચ્યો ત્યારે તેને પણ મારવામાં આવ્યો. હાલ બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘાતકી હુમલા બાદ ગામમાં ભય અને રોષનું વાતાવરણ છે.

મામલો શું હતો?
મહિંગવા પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવા ગામ (Sonava Village)માં રહેતા બૈજનાથ ગૌતમનો પુત્ર દીપક ગૌતમ (Deepak Gautam) બુધવારે રાત્રે ટોઈલેટ જવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. તે ગામના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હરિઓમ મિશ્રા, જપઓમ મિશ્રા, શિવઓમ મિશ્રા અને ઋષિ સિંહ રસ્તો રોકીને ઉભા હતા. દીપકે તેમને સહેજ દૂર ઉભા રહેવા વિનંતી કરી. પણ જાતિવાદી આ તત્વો સીધા તોછડાઈ પર ઉતરી આવ્યા અને સીધું જ - આ તારા બાપનો રસ્તો છે? એમ કહીને રસ્તો છોડવાની ના પાડી. દીપકે નમ્રતાપૂર્વક તેમને રસ્તો છોડી દેવાની વિનંતી કરી, પરંતુ બદમાશોએ તેને જાતિ આધારિત અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું. દીપકે ગાળો ન બોલવા કહેતા હરિઓમ મિશ્રાએ તેના પર સીધો ચાકૂથી હુમલો કરી દીધો હતો. દીપક ત્યાં જ દર્દથી ઢળી પડ્યો. એ પછી પણ આ લુખ્ખા તત્વો અટક્યા નહીં અને દીપકને લાકડીઓ વડે માર માર્યો હતો.

દીપકને બચાવવા આવનાર તેના ભાઈને પણ માર્યો
જ્યારે દીપકનો ભાઈ દિલીપ ગૌતમ તેની ચીસો સાંભળીને તેને બચાવવા માટે આવ્યો ત્યારે આ ગુંડાઓએ તેને પણ નિશાન બનાવ્યો હતો. દિલીપને પણ લાકડીઓ મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના ગામના અન્ય રહેવાસીઓની સામે બની હતી, પરંતુ હુમલાખોરો ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે ગ્રામજનોએ હિંમત એકઠી કરી હતી. ગામલોકોએ દિલીપ અને દીપકને સંભાળ્યાં અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બંને ભાઈઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ 3 દલિત બાળકોનું માથું મૂડ્યું, મોં કાળું કરી માથે 'ચોર' લખીને આખા ગામમાં ફેરવ્યાં

પોલીસે લુખ્ખા તત્વોની તરફેણ કરી ફરિયાદમાં ફેરફાર કરાવ્યો
ઘટના બાદ દીપકે મહિંગવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસે ફરિયાદમાં ફેરફાર કરાવીને કેસ નોંધ્યો છે. દીપક અને તેના પરિવારનો આરોપ છે કે પોલીસે આ લુખ્ખા તત્વોના દબાણ હેઠળ આ ઘટનાને હળવાશથી લીધી હતી અને તેમની સામે યોગ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો નથી. લુખ્ખા તત્વોએ જે ગુનો કર્યો છે તેને ધ્યાનમાં રાખીને જોતા ગંભીર કલમો હેઠળ કેસ દાખલ થવો જોઈએ પરંતુ તેમાં હળવી કલમો લગાવીને બચાવ કરાયો છે. જો કે, પોલીસે દાવો કર્યો છે કે ફરિયાદના આધારે જ તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

ગામમાં ભયનો માહોલ
આ હુમલા બાદ ગામમાં ભય અને રોષનો માહોલ છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં પહેલાથી જ આ ગુંડાતત્વો દ્વારા દાદાગીરી ચાલી રહી છે, અને વહીવટીતંત્રે ક્યારેય તેમની સામે કડક પગલાં લીધા નથી, જેનાથી તેમની હિંમત વધી છે. દીપક અને તેના પરિવારે તંત્ર પાસે ન્યાયની અપીલ કરી છે અને ગુંડાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામના દલિત સમાજે પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે.

દલિત સંગઠનો મદદે આવ્યા
ઘટના બાદ પીડિત પરિવારે સ્થાનિક નેતાઓ અને દલિત સંગઠનો પાસે મદદ માંગી છે. આ હુમલાને લઈને દલિત સમાજમાં ભારે નારાજગી છે અને તેઓ તેને દલિતો સામે વધી રહેલા અત્યાચારની પેટર્ન તરીકે જુએ છે. ઘટનાને લઈને દલિત સંગઠનોએ લડી લેવાનું નક્કી કર્યું છે અને દીપક અને દિલીપની સાથે રહીને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ પાટણના મીઠીવાવડીમાં સેનમા વાસ પર પટેલોના ટોળાએ હુમલો કર્યો, અનેક લોકો ઘાયલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.