ગરબા તો મને પણ બહુ ગમતા પણ...
નવરાત્રીમાં ગરબા ગાવાની લાલચ રોકી ન શકતા બહુજનોને આ લેખ એ લાલચમાંથી કેમ બહાર નીકળવું તેનો રસ્તો ચીંધે છે.
કૌશિક શરૂઆત
લગ્નમાં, નવરાત્રીમાં હું પણ ખૂબ ગરબા ગાતો. નોરતાના છેલ્લા દિવસોમાં તો સવાર પડે અને ગરબા બંધ થાય ત્યાં સુધી ગાતો. હું પણ બાકી દલિતો જેવો જ હિંદુ સંસ્કૃતિના રંગે રંગાયેલો દલિત હતો.
પણ ઉનાકાંડ બાદ મને સમજ પડી કે હિંદુ અલગ છે અને દલિત અલગ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના બે પુસ્તકો ૧. શુદ્રો કોણ? અને ૨. અસ્પૃશ્યઓ કોણ? વાંચ્યા. અને સમજ પડી કે હિંદુ એ કોઈ ધર્મ નથી પણ અધર્મ છે. હિંદુ કોઈ સંસ્કૃતિ નથી પણ વિકૃતિ છે. હિંદુ કોઈ સમાજ વ્યવસ્થા નથી પણ જાણી જોઈને ઉભી કરેલી અવ્યવસ્થા છે.
તમે ગમે તેટલું મથો આખરે તો તમે આ સમાજ વ્યવસ્થામાં જ ગોળ ગોળ ગરબા રમો છો, બહાર નથી નીકળી શકતા. ભલભલા સમાજ સુધારકો પણ હિંદુ સમાજ વ્યવસ્થા, હિંદુ ધર્મની જટિલતા સમજવામાં થાપ ખાઈ જાય છે.
તે વખતે નવરાત્રી હતી. મેં બે પુસ્તકો વાંચેલા. વર્ષો સુધી મેં ગરબા ગાયેલા એટલે મન તો ઢીંચાક ઢીંચાક થતું હતું પણ મગજ કહેતું કે આ તહેવારો એ આપણી હારની ઉજવણી છે. ઘડીકમાં ગરબા રમવાનું મન થાય અને ઘડીકમાં થાય કે આપણું સદીઓ સુધી શોષણ કરનાર ધર્મના તહેવાર કેવી રીતે ઉજવાય. આવું હું વિચાર કરતો રહેતો અને સોસાયટીમાં ગરબા ચાલતા રહેતા. ગરબા ગાવા કે ના ગાવા, બન્ને વિચારોમાં ગરબા ના ગાવા, એ વિચાર થોડોક સ્ટ્રોંગ હતો એટલે તે નવરાત્રીમાં હું દાદરા ઉતરી સોસાયટીના ચોકમાં ના જઈ શક્યો. મનમાં એનો અફસોસ પણ રહેતો, કે યાર ગરબા ગાવા છે પણ કેવી રીતે જાઉં? મારી જાત સાથે હું આવી વાત કરતો.
આજે મનોરંજનના નામે ગરબા ગાવાવાળાની મનોસ્થિતિ હું સમજુ છું. તેમના મનમાં ગરબા ગાવા કે નહીં તેને લઈને દંદ્વ ચાલે છે. "મનોરંજન માટે ગરબા" એ વિચારે તેમના નષ્ટ ના થયેલા હિંદુ સંસ્કારો જીવતા કર્યા અને મનોરંજનના લાલચે ગરબા ગાઈ આવ્યા.
બાકી બધા દલિતોથી હું આજે અલગ પડ્યો એનું કારણ પણ આ જ. મને વિચારવા પૂરતો સમય મળ્યો અને ગરબા ગાવા કે ના ગાવા તે નિર્ણય લેવા માટે મને સબળ કારણો મળ્યા.
એ નવરાત્રી પછીની કોઈ નવરાત્રીમાં મને ગરબા ગાવાની ઈચ્છા નથી થઈ. તે દિવસ પછી મને હિંદુ ધર્મ ક્યારેય મારો પોતાનો નથી લાગ્યો. કોઈ ગમે તેટલી સમાનતા કે સમરસતાની વાતો કરે, મને સાથે બેસી જમાડે કે મારા ઘરે આવીને જમે, હિંદુ ધર્મ મારા માટે દલિતોનું સદીઓથી શોષણ કરતો ધર્મ જ રહ્યો છે. હિંદુ એ મારો ધર્મ નથી.
સાથે સાથે એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે, "હિંદુ ધર્મમાં સુધારાની કોઈ શકયતા નથી. અહીં જે બગાડ છે, તેને જ આ લોકો ધર્મ કહે છે." હિંદુ ધર્મનો પાયો વેદો છે, વર્ણાશ્રમ છે, જાતિ વ્યવસ્થા છે. સ્ત્રી-પુરુષ ભેદભાવ છે. હિંદુ ધર્મમાં નિયમો માણસો માટે નથી પણ જાતિ અને લિંગ માટે છે. અને બ્રાહ્મણ જાતિ બધી જાતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. એટલી બધી સર્વશ્રેષ્ઠ કે બ્રાહ્મણ ગમે તેવો ગુનો કરે તેને મૃત્યુદંડ આપી શકાય નહીં.
હવે, કોઈ સુધારાવાદી એમ કહે કે આ બધું કાઢી નાખો. તો વેદો, પુરાણો, સ્મૃતિઓમાં બાકી કશું રહેતું નથી. એટલે મારી આ દ્રઢ માન્યતા છે કે, હિંદુ ધર્મમાં સુધારો શક્ય નથી. આ નષ્ટ જ કરવું પડે અને નવા ધર્મની સ્થાપના કરવી પડે અથવા બીજો કોઈ ધર્મ અપનાવવો પડે કે જેમાં નિયમો ફક્ત અને ફક્ત ધર્મને માનતા લોકો માટે હોય. ના કે જાતિ અથવા લિંગ આધારિત નિયમો હોય.
હિંદુ તહેવારોનો ત્યાગ કેવી રીતે કરવો?
- હિંદુ ધર્મ ગ્રંથો વાંચો. તમને પોતાને હિંદુ ધર્મથી ઘિન્ન આવશે. તમારે કશું છોડવું નહિ પડે, આપોઆપ છૂટી જશે.
- બાબાસાહેબ, ફૂલે, પેરિયાર વાંચો. તમારી ગુલામીના કારણો અને મુક્તિના માર્ગોની ખબર પડશે.
- ભારતનો ઇતિહાસ વાંચો. ઇતિહાસમાં બુદ્ધ, ગુરુનાનક, કબીર, રોહિદાસ, મહાવીર વાંચો.
- જ્યાં ખોદો ત્યાં બુદ્ધ કેમ નીકળે છે? એ શોધો.
- સોમનાથ મંદિર નીચે ત્રણ માળનું બૌદ્ધ વિહાર કેવી રીતે આવ્યું? કોણે બૌદ્ધ વિહાર પર મંદિર ચણ્યું? તે વિચારો.
અને હા, વાંચવા, વિચારવા, સમજવા પોતાને સમય આપો.
હું જે કંઈ લખું છું, સમજુ છું, તે એક દિવસમાં નથી થયું. વર્ષો લાગ્યા છે. તમે પણ સમય લો. આપણે જેમ રોજ ખાઈએ છીએ, ઉંઘીએ છીએ, તેમ રોજ થોડું થોડું વાંચવાનું, જાણવાનું રાખો. સતત જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. તમારી જિજ્ઞાસા ક્યારેય મરવા ના દો. સતત પ્રશ્નો પૂછો અને જવાબો શોધતા રહો.
પરિવારજનોને કેવી રીતે સમજાવવા?
તમને બધું એક જ દિવસમાં આવડી ગયું? એક જ દિવસમાં સો ટકા આંબેડકરવાદી બની ગયા? નહિ ને? બસ તો પછી, ઘરનાં પાસેથી પણ તમારા જેવું જ આચરણ કરવાની અપેક્ષા નહીં રાખવાની. વાત કરવાની, સમજાવવાના, થોડા થોડા તેમને વિચારો આપવાના. એકસાથે બધું કોઈનાથીય ગ્રહણ ના થાય. ગૌતમને પણ વર્ષો સુધી ભટકવું પડ્યું હતું ત્યારે એ બુદ્ધ બન્યા. બાબાસાહેબ પણ વર્ષો સુધી અભ્યાસ કરીને ડૉ. બન્યા હતા.
મતલબ, ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધો. એક વિચાર, બીજો વિચાર, એમ ધીમે ધીમે બધા વિચારો બદલવા પ્રયત્ન કરો. કોઈ સ્પેશિયલ કેડર કેમ્પ નથી કરવાનો આમાં. આને જિંદગીમાં વણી લેવાનું છે. હવે દિવાળી આવે છે. તો તમે એકલા પણ ફટકડાનો ત્યાગ કરી શકો તોય ઘણું. બાળકોને સમજ આપો. તેઓ મોટા લોકો કરતા જલ્દી સમજશે. બાળકોને બહુજન મહાપુરુષોનો નાનપણમાં પરિચય કરાવો. તો એ મોટા થતા સુધીમાં આપણા કરતા વધુ સારા વિચારોવાળા બનશે.
વિચારધારા એ વાતોનો વિષય નથી, આચરણમાં લાવવાનો વિષય છે. આપણે પોતે આચરણમાં લાવીને બીજાને જે શીખવી શકીએ તેટલું ફક્ત વાતોથી નથી શીખવી શકતા.
જેમના માટે ગરબા મનોરંજન છે અને આ આર્ટિકલથી લાગણી દુભાઈ છે અને મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું ચાલુ કર્યું છે, તેમને કહેવા માગું છું કે, "તમે ગરબા ગાવ. બસ, સમાજના દીકરા, દીકરી બની આંબેડકર, ફૂલે, પેરિયારના નામે સમાજને ભટકાવવાનું, પોતાનો અહમ પોષવાનું બંધ કરો. સમાજને બધી સમજ પડે છે."
(લેખક બહુજન સાહિત્યના અભ્યાસુ અને બહુજન પુસ્તકો માટે વિખ્યાત શરૂઆત પબ્લિકેશનના ફાઉન્ડર છે.)
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jitendra Dodiyaખૂબ સારો પ્રયાસ છે. ધીરે ધીરે જ આ શકય છે. મારો પતાનો સ્વાનુભવ છે. જય ભીમ નમો બુદ્ધાય.????????????
-
જગદીશ વણકરઈતિહાસ ની સત્યતા રજૂ કરી અજ્ઞાની દલિતો ને પાખંડી હિન્દુ ધર્મ ની ચુંગાલમાંથી બહાર નીકળી સ્વ ધર્મ તરફ પાછા લાવવા માટે ના ખુબ શ્રેષ્ઠ કાર્યને શત શત વંદના. . જય ભીમ નમો બુદ્ધાય . ભવતુ સબ મંગલમ્
-
Hitesh ParmarwSir very nice noble idea you have presented.
-
Piyush barot100*/, ની સાચી વાત છે અને આપણ ને જીંદગી જીવવાની રીત જ શીખવાડી દે છે કે હિંદુ ધર્મ પર જવું એજ ગુન્હો છે
-
tina pranamiIt's just wow thoughts