SC-ST અનામતના ક્વોટામાં ક્વોટાના નિર્ણયનો 100 સાંસદોએ વિરોધ કર્યો

લોકસભા અને રાજ્યસભાના મળીને 100થી વધુ સાંસદોએ મળીને એસસી, એસટી અનામતમાં અનામતના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિશે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

SC-ST અનામતના ક્વોટામાં ક્વોટાના નિર્ણયનો 100 સાંસદોએ વિરોધ કર્યો
image credit - Google images

સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોને એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવાના લીધેલા નિર્ણયના વિરોધમાં આગામી 21મી ઓગસ્ટે દેશવ્યાપી વિરોધ થવા જઈ રહ્યો છે ત્યારે આ મામલે મોડે મોડે પણ સત્તાધારી ભાજપે એસસી, એસટી સમાજમાં વ્યાપેલો વિરોધ પારખીને રણનીતિ અંતર્ગત સારા થવાનો પ્રયત્ન કર્યો છે. 

સૂત્રોના મતે સત્તાધારી પક્ષ અંદરખાને સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાથી ખુશ છે, પણ દલિતો અને આદિવાસીઓનો આક્રોશ પારખી જઈને તેણે પોતાની રણનીતિ બદલી છે અને પોતે જાણે એસસી, એસટીના હામી હોય તેવો દેખાવો કરવા માટે તેમના જ પક્ષના એસસી, એસટી સાંસદોને પીએમને મળવાનું અને આ મામલે વિરોધ નોંધાવવાનું નાટક યોજ્યું હતું.

આયોજન મુજબ ગઈકાલે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના ૧૦૦ જેટલા સાંસદોએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને એસસી એસટી અનામત પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેંચે અનામતનો લાભ પછાત સમુદાયના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ સુધી પહોંચે તેવા હેતુથી અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો આ સાંસદોએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન

સાંસદોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને એસટી-એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે સંયુક્ત રીતે એક મેમોરેન્ડમ સબમિટ કરીને માંગ કરી કે આ ચુકાદો આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે.

હાલમાં સુપ્રીમ કોર્ટે અનામત મામલે ચુકાદો આપતા એસસી એસટી  માટે અનામત ક્વોટામાં વધુ એક ક્વોટા અલગથી આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે જો રાજ્ય સરકાર ઈચ્છે તો, તે પોતાની વિવેકબુદ્ધિથી,એસસી અને એસટી બંને શ્રેણીઓમાં વંચિત જાતિઓને અલગ ક્વોટા આપી શકે છે. એ રીતે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી રાજ્ય સરકારો માટે જરૂરિયાતમંદ જાતિઓને ક્વોટામાંથી ‘ક્વોટા’ આપવાનો માર્ગ ખુલી ગયો છે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે એસસી, એસટી બંને વર્ગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તમામ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે, જેમ કે જેઓ ગટર સાફ કરે છે અને જેઓ વણકર તરીકે કામ કરે છે. આ બંને એસસી કેટેગરીના છે પરંતુ તેઓ અન્ય કરતા વધુ પછાત છે. તેમના ઉત્થાન માટે રાજ્ય સરકાર એસસી, એસટી અનામતને પેટા-વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આ બંધારણના અનુચ્છેદ ૩૪૧ની વિરુદ્ધ નથી.

જો કે, અનામતના તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદોને અનામતની મૂળ ભાવનાથી વિરુદ્ધનો છે. બંધારણમાં અનામતની જોગવાઈ જે તે વર્ગની સામાજિક પરિસ્થિતિને આધારે તેના ઉત્થાન માટે કરવામાં આવી છે, પરંતુ કોર્ટ તેને આર્થિક આધાર પર લઈ જવા માંગે છે. આથી તેનો વિરોધ થવો જોઈએ. કોર્ટે કોઈપણ પ્રકારના ડેટા વિના આ નિર્ણય સંભળાવ્યો છે, બીજી તરફ મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા તૈયાર નથી.

આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.