એ 11 દિવસમાં ડૉ. આંબેડકરે 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર જોયું...
વડોદરાને ગુજરાતીઓ ગર્વથી 'સંસ્કારી નગરી' કહે છે, પણ આ કથિત સંસ્કારી નગરીનું અસલી ચરિત્ર ડો. આંબેડકરે ત્યાં નોકરીમાં ગાળેલા 11 દિવસમાં પ્રગટ થાય છે.
વિરાગ સુતરિયા
બાબાસાહેબનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ પિતાજી રામજીરાવની ઇચ્છા હતી કે, ભીમરાવ મુંબઇમાં જ ક્યાંક નોકરી મેળવી લે. પરંતુ અભ્યાસ માટે સ્કૉલરશીપ આપનાર મહારાજા સયાજીરાવનું ઋણ ચૂકવવા માટે ભીમરાવ વડોદરા રાજ્યની નોકરી કરવા ઇચ્છતા હતા. દેશી રાજ્યોમાં અસ્પૃશ્યતાની સ્થિતિ અને ત્યાંનું વાતાવરણ રામજીરાવ વધુ સમજતા હતા. એટલે જ તે ઇચ્છતા કે, ભીમરાવ અંગ્રેજ સરકારની નોકરી કરે. આ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે મતભેદ થયા. તેમ છતાં 23 જાન્યુઆરી, 1913ના રોજ મહારાજાનું ઋણ ફેડવાના ઇરાદે ભીમરાવ વડોદરા આવ્યા. વડોદરામાં રહેવા-જમવાની કંઇ કહેતાં કંઇ જ સગવડ નહોતી. તેઓ અસ્પૃશ્યોની વસ્તીમાં બે-ત્રણ દિવસ રહ્યા. આર્યસમાજી આગેવાન અને અંત્યજ શાળાઓના ઇન્સ્પેક્ટર શ્રી આત્મારામ સાથે પરિચય થયો. શ્રી આત્મારામે રહેવા માટે બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એમની ઑફીસનો ઉપયોગ કરવાની છૂટ આપી. પરંતુ જમવાની વ્યવસ્થા અલગ કરવાની હતી. તે વ્યવસ્થા વડોદરાના એક મહાર સદ ગૃહસ્થને ત્યાં થઇ.
વડોદરા રાજ્યના સચિવાલયમાં ભીમરાવને રોજ અલગ અલગ કામ સોંપાતાં. કોઇ ચોક્કસ કામ ભીમરાવને સોંપવામાં આવ્યું નહોતું. જે કામ સોંપાતું તે ફટાફટ પૂરું કરીને તેઓ એકાદું પુસ્તક વાંચવા બેસી જતા. તેઓ દિવસ દરમિયાન સતત એમની સાથેના કર્મચારીઓ અધિકારીઓના વર્તન-વ્યવહારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હતા. ત્યાંના કર્મચારીઓ ભીમરાવની ઇર્ષ્યા કરતા હતા. એક તો ભીમરાવનું નિરાળું અને પ્રભાવી વ્યક્તિત્વ અને પાછા અસ્પૃશ્ય એટલે ઇર્ષા વધી જતી. દરમિયાન કોઇએ ઉચ્ચ અધિકારીને ભીમરાવ કશું કામ કરતા નથી એવી ફરિયાદ કરી. ભીમરાવે અધિકારીને પોતાને સોંપાયેલું એકપણ બાકી હોય તો એ બતાવવા કહ્યું સાથે કહ્યું કે, "ફાજલ સમયમાં હું પુસ્તક વાંચન કરું છું. પણ, તમને ફરિયાદ કયા ચોક્કસ લોકો એ કરી હશે એ હું ધારી શકું છું." ભીમરાવે ઉચ્ચ અધિકારીને કહ્યું કે, "મને અહીં કોઇ ઓળખતું નથી. આટલા દિવસથી મારી રહેવાની કે જમવાની સગવડ પણ થઇ નથી. ઉલટામાં કચેરીમાં સોંપાતાં નિરર્થક કામો પણ હું સારી રીતે પૂરાં કરી દઉં છું. ફાજલ સમયમાં નકામી ગપ્પાંગોષ્ઠી કરવાને બદલે હું વાંચવા બેસુ છું." ભીમરાવના જવાબથી ઉચ્ચ અધિકારી તો મૌન થઇ ગયા પણ એમને ફરિયાદ કરનારા પણ ચૂપ થઇ ગયા.
થોડા દિવસ પછી ભીમરાવને તાર મળ્યો કે, પિતાજીની તબિયત ખરાબ છે. તાર વાંચીને ભીમરાવને આઘાત લાગ્યો. એ વડોદરા આવ્યા ત્યારે બાપ-બેટા વચ્ચે મતભેદ થયો હતો. પછી થયેલા પત્રવ્યવહારમાં એમણે વડોદરામાં પડતી તકલીફો જાણાવી નહોતી. ભીમરાવ તરત જ મુંબઇ જવા રવાના થયા. વચ્ચે આવતા સુરત સ્ટેશને તેઓ પરિવાર માટે ત્યાંની પ્રખ્યાત બરફી લેવા ઉતર્યા એવામાં ટ્રેન છૂટી ગઇ. બીજી ટ્રેન માટે ખાસ્સી રાહ જોવી પડી.
આ પણ વાંચો: ડૉ આંબેડકરે પત્રકાર અને તંત્રી કેમ બનવું પડ્યું?
બીજા દિવસે મુંબઇ પહોંચ્યા ત્યારે ઘરના બધા સભ્યો પિતાજીને વીંટળાઇ વળ્યા હતા. ભીમરાવને ફાળ પડી. ભીમરાવ પિતાજીની પથારી પાસે બેઠા. પિતાજીએ આંખો ખોલી, ભીમરાવને સ્નેહભરી નજરે જોયા, શરીર પર વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો. જાણે, ભીમરાવની જ રાહ જોતા હોય એમ થોડીવારમાં જ એમનો પ્રાણ ઉડી ગયો. બીજી ફેબ્રુઆરીના દિવસે રામજીરાવનું અવસાન થયું. રજાઓ પૂરી થતી હોવાથી ભીમરાવે રજાઓ લંબાવવા વડોદરા તાર કરી દીધો. ભીમરાવના પિતાજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે મહારાજા સયાજીરાવ મુંબઇ હતા. એમણે તાર કરીને શોકસંદેશો પણ પાઠવ્યો હતો. મહારાજાએ અગાઉ પોતે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માગતા હોવાનું પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. ભીમરાવ મહારાજાને મળવા માટે અને વડોદરા નિવાસ દરમિયાન એમને પડેલી તકલીફો અંગેનું આવેદનપત્ર આપવા માટે મલબારહિલ ખાતેના મહેલ પર ગયા.
મહારાજા એમની સાથે વાતો કરે છે. પ્રશ્નો પૂછે છે. ભીમરાવની અંગ્રેજી પરની પકડ અને જવાબોથી ખુશ પણ થાય છે. પરંતુ, ભીમરાવના આવેદનપત્ર વિશે એકપણ શબ્દ ઉચ્ચારતા નથી. ઉલટાનું ભીમરાવને બીજા દિવસે ફરીથી મળવા આવવાનું કહે છે. બીજા દિવસે ભીમરાવ મહારાજાને મળે છે ત્યારે મહારાજા ભીમરાવને કયા વિષયોનો અભ્યાસ કરવામાં રસ છે? અને એ અભ્યાસ કરીને શું કરીશ? એવા પ્રશ્નો પૂછે છે. ભીમરાવ જવાબમાં કહે છે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને પબ્લીક ફાઇનાન્સનો અભ્યાસ કરીને વંચિતો, અસ્પૃશ્યોની અવદશા કેવી રીતે મટાડી શકાય અને એમના ઉદ્ધાર, એમની સુધારણા માટે મારી શક્તિ વાપરીશ.
મહારાજા કહે છે, "તું અમારા રાજ્યની નોકરી કરીશ? જો નોકરી કરીશ તો સમાજસેવા અને નોકરી એકસાથે બે કામ કેવી રીતે કરીશ? ભીમરાવ પ્રત્યુત્તર આપે છે, "જો તમે મને સગવડ આપશો તો હું બંને કામ એકસાથે કરીશ. કામને ન્યાય આપવાની ક્ષમતા મારામાં છે." મહારાજા કહે છે કે, "હું તને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલવા ઇચ્છું છું જો તારી ઇચ્છા હોય તો શિષ્યવૃત્તિની માગણી સહિતની અરજી કરી દે અને એક નકલ મને પણ આપજે." આ સાંભળી ભીમરાવના આનંદનો તો પાર ન રહ્યો. એમને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો.
અભ્યાસ માટે અમેરિકા
ઘેર આવી તેઓ તરત જ અરજી કરી દે છે. અરજી કર્યા પછી પત્નીને જાણ કરે છે. એમની અરજી મંજૂર થાય છે. અરજી મંજૂર થતાં જ ફરીથી મહારાજાને મળીને આભાર માને છે. માસિક સાડા અગિયાર પાઉન્ડની શિષ્યવૃત્તિ 15 જૂન 1913 થી 14 જૂન 1916 સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે મંજૂર કરવામાં આવી હતી. ભીમરાવના કુટુંબમાં દસ બાર માણસો હતાં. બે ટંક ભોજનથી વધુ કંઇ થઇ શકે એવી આર્થિક સ્થિતિ નહોતી. એ અમેરિકા જાય પછી કુટુંબના ભરણ - પોષણની પણ ચિંતા હતી. અમેરિકા જવા માટે અત્યંત જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદવાની હતી. એમને ત્રણ મહિનાની એડવાન્સ શિષ્યવૃત્તિ પેટે રૂ. 1963 મળ્યા હતા. એમણે જરૂરી ચીજવસ્તુઓ ખરીદી બચેલા પૈસા પત્નીને ઘરખર્ચ માટે આપ્યા. કરકસરથી જીવવાનું કહ્યું. સાથે એ પણ કહ્યું કે, અમેરિકામાં કરકસરથી જીવી જે બચશે એ ભારત મોકલતા રહેશે. ઘરમાં મોટાભાઇ આનંદરાવ જ કમાનાર હતા. ભીમરાવે આખા ઘરની જવાબદારી આનંદરાવને સોંપી, હંમેશની જેમ આનંદરાવે એ જવાબદારી સહર્ષ પૂરી કરવાની ખાતરી આપી. ભીમરાવના મનનો બોજ હળવો થઇ ગયો. અમેરિકા જઇ અભ્યાસમાં પૂર્ણપણે ડૂબી જવાના ધ્યેય સાથે ભીમરાવ અમેરિકા જવાના રવાના થયા.
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે
અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 21 ઑગસ્ટ 1917ના દિવસે ભીમરાવ પાછા મુંબઇ આવ્યા. એક અસ્પૃશ્યે આટલો ઉચ્ચ અભ્યાસ કરીને, આટલી મોટી પદવીઓ મેળવીને, વિદેશ અભ્યાસ કરીને દેશમાં પગ મૂક્યો હતો. એટલે અસ્પૃશ્ય સમુદાયનો આનંદ તો માતો નહોતો. પરંતુ, રમાબાઇને અનેરો આનંદ હતો. પતિ પાછા તો આવ્યા જ હતા. પરંતુ, હવે દુઃખના દિવસો પૂરા થશે, આનંદથી જીવી શકાશે, પરિવાર જોડે રહેશે એ વિશે વિચારતી રમાબાઇની ખુશીનો પાર નહોતો.
ફરીથી વડોદરા: અપમાન, સંકલ્પ અને સંઘર્ષ
ભીમરાવને વડોદરા રાજ્ય સાથેના કરાર મુજબ રાજ્યની નોકરી કરવાની હતી. એટલે એમણે વડોદરા પત્ર લખ્યો, જેમાં ક્યારે હાજર થવાનું છે? સરકાર એમને કઇ જગ્યાએ મૂકવા માગે છે? એ અંગેની પૃચ્છા હતી. વધુમાં એમણે 1913માં કરેલી વડોદરા રાજ્યની નોકરી દરમિયાન રહેવા-જમવાની જે મુશ્કેલી પડી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો અને રહેવા માટેની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે એવી પણ વિનંતી કરી. રાજ્યના વહીવટી અધિકારી તરફથી મળેલા પત્રમાં તાકીદે વડોદરા પહોંચી જવા માટે જણાવવામાં આવ્યું પરંતુ, રહેવા-જમવાની બાબતનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ભીમરાવ આ મૌન પાછળનો અર્થ સમજી ગયા. પણ, તેમણે વડોદરા પહોંચી જોઈ લેવાશે એમ વિચારી વડોદરા જવાનો નિર્ણય લીધો. પૈસાની કમી હતી. મોટાભાઇ આનંદરાવના પગારમાંથી ઘર ચાલતું હતું. જે જહાજ ડૂબવાથી ભીમરાવનાં બધાં પુસ્તકો ડૂબી ગયાં હતાં એના વીમાના વળતરના મળેલા પૈસામાંથી વડોદરા જવાનો ખર્ચ કાઢી. વધેલા પૈસા ઘર ખર્ચ માટે આપીને ભીમરાવ વડોદરા જવા માટે નીકળ્યા.
સપ્ટેમ્બર માસના બીજા અઠવાડિયામાં ભીમરાવ વડોદરા પહોંચ્યા. એક અછૂત પરદેશ ભણીને રાજ્યમાં મોટા અધિકારી તરીકે નોકરી કરવા આવવાનો છે, એવી વાત તો ભીમરાવ આવે એ પહેલાં વડોદરા પહોંચી ગઇ હતી. મહારાજાએ ભીમરાવ આવે એટલે સ્ટેશને પહોંચીને એમને સ્ટેશન પર મળી, બધી વ્યવસ્થા કરવાની સૂચના પણ આપી હતી. પરંતુ આ તો ‘અછૂત’. કોઇ અધિકારી કે કર્મચારી ભીમરાવને સ્ટેશન પર લેવા ગયું નહીં. ભીમરાવ પોતાની રીતે એકલા સ્ટેશન પર ઉતરીને રહેવાની જગ્યા શોધવા લાગ્યા હતા.
લંડનમાં ત્રણ વર્ષ રહ્યા હતા એટલે ત્યાંના સમાનતાના વાતાવરણની માનસ પર અસર હતી. પણ, જ્યારે રહેવા માટે રૂમ રાખવાની વાત આવી એટલે તેમને તરત જ પોતે ‘અછૂત’ હોવાથી અહીં કેટલી તકલીફ પડશે એ વાસ્તવિકતા આંખ સામે દેખાવા લાગી. રહેવાની બીજી કોઇ સગવડ તો હતી નહીં. એટલે એમણે એક પારસી ધર્મશાળામાં મહામુસીબતે ‘પારસી નામ’ રાખીને રૂમ ભાડે લીધી. એ રૂમ રહેવા માટે કોઇ રીતે યોગ્ય નહોતી. કાળકોટડી જેવી એ રૂમમાં ભીમરાવ માંડ રાત કાઢતા હતા. વડોદરા મહારાજા તેમને નાણાખાતું આપવા માગતા હતા. એટલે એમને એકાઉન્ટન્ટ જનરલની ઑફીસમાં પ્રોબેશન પર મૂક્યા હતા. વળી, બીજાં ખાતાંના કામથી પણ માહિતગાર થાય એટલે થોડો થોડો સમય અન્ય ખાતાંમાં પણ કામ કરવાનું રહેતું હતું.
આ પણ વાંચો: બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ
ભીમરાવ ઉચ્ચ શિક્ષિત અધિકારી છે, એના કરતાં એ અછૂત છે એ જ વાત સાથી અધિકારીઓ અને હાથ નીચેના અધિકારીઓ, કર્મચારીઓ યાદ રાખતા હતા. પટાવાળો અભડાય નહીં એટલે ફાઇલો, કાગળો ટેબલ પર છૂટ્ટા નાખતો, એમના પટાવાળા ભૂલથી પણ સ્પર્શ થઇ જાય તો અભડાઇ જવાય એટલા માટે સંકોચાઇને ઊભા રહેતા. એમનો હુકમ જાણે સાંભળ્યો જ ન હોય એમ વર્તન કરતા હતા. ભીમરાવ સાંભળે એમ જાતિવાચક શબ્દો બોલી અપમાન કરતા હતા. કચેરી સમય બાદ અધિકારીઓ ના મનોરંજન - મેળાવડા માટેની ક્લબમાં હોદ્દાની રૂએ પ્રવેશ તો મળી ગયો પણ, ક્લબમાં કોઇ અધિકારી તેમની સાથે વાત પણ કરતા નહોતા. થોડા દિવસ પછી ભીમરાવ માટે ખૂણામાં અલગ ટેબલ ખુરશી પણ મૂકી દેવામાં આવ્યું. ભીમરાવને સાંકેતિક રીતે બહિષ્કારની જાણ કરી દેવામાં આવી. વળી, અપમાનભરી સૂચના મુસ્લિમ નોકર દ્વારા પણ પહોંચતી કરવામાં આવી. જે અધિકારીઓ મુસ્લિમો,પારસીઓ, ખ્રિસ્તીઓ જેવા અન્ય ધર્મીઓ સાથે સમાનતાભર્યો વ્યવહાર કરતા હતા. એ જ લોકો હિન્દુ ગણાતા (???) ભીમરાવ સાથે સ્પર્શ તો દૂરની વાત છે બોલવા માટે પણ તૈયાર નહોતા.
ભીમરાવને આ બાબતની ખૂબ પીડા થઇ. રહેવા-જમવાની વ્યવસ્થાનો અભાવ અને અધિકારીઓ, કર્મચારીઓનો અસહકાર, અપમાન, અવહેલના વગેરે બાબતોની રજૂઆત એમણે મહારાજા સમક્ષ કરી, પણ મહારાજા એનો નક્કર ઉપાય ના કરી શક્યા. ભીમરાવે હવે, નિત્યક્રમ બદલ્યો તેઓ ઑફીસનું કામકાજ પતાવી લાઇબ્રેરીમાં બેસી વાંચવા લાગ્યા. એટલે સાથે કામ કરનારાઓએ એની ફરિયાદ દીવાન સર મનુભાઇ મહેતા આગળ કરી. દીવાને ભીમરાવને મળવા બોલાવ્યા. ભીમરાવે આખી વીતકકથા દીવાનને જણાવી. દીવાને આશ્વાસન આપ્યું પણ, એનો અમલ ક્યારેય ના થયો. કંટાળીને ભીમરાવ મહારાજાને ફરીથી મળ્યા, અધૂરા અભ્યાસની વાત કરી. જો શિષ્યવૃત્તિ મળે તો અભ્યાસ પૂર્ણ કરી શકાય એમ પણ જણાવ્યું. પણ, મહારાજાએ એનો અસ્વીકાર કર્યો. ભીમરાવે અલગ મકાન મળે તો કુટુંબ સાથે રહી શકાય એ માટે મહારાજાને વિનંતી કરી, મહારાજા તરફથી આશ્વાસન પણ ના મળ્યું એટલે તેઓ વધુ નિરાશ થયા. ઑફીસમાં એમનો બહિષ્કાર તો ચાલુ જ હતો. એટલે તેઓ ફાજલ સમયનો ઉપયોગ અધ્યયનમાં કરતા હતા, નોંધો તૈયાર કરતા હતા. જેનો એમને ઘણીવાર લાભ મળ્યો.
ભીમરાવ પારસી વીશીમાં રહેતા હતા, ત્યાં એક દિવસ પારસીઓ અને ગુંડાઓનું મોટું ટોળું હુમલો કરવા આવ્યું. કારણ એ જ કે એક અસ્પૃશ્ય વીશીમાં રહે તો વીશી અભડાઇ જાય. ટોળાએ પૂછ્યું ‘તુ કોણ છે?’ ભીમરાવે જવાબ આપ્યો ‘હિંદુ’. ટોળામાંથી જવાબ આવ્યો કે, અમને ખબર છે કે તુ કોણ છે. ભીમરાવને તરત થયું કે, ‘અછૂતો’ ને હિંદુ ગણે છે જ કોણ? એ અન્યધર્મીઓ પણ જાણે છે, છતાં પોતે હિંદુ તરીકે ઓળખ આપીને તેઓ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયા છે. એ અહેસાસ થતાં એમને થયેલી વેદના, લાગેલો આઘાત તો કલ્પનાતીત છે.
ભીમરાવે ટોળાને કહ્યું કે, હું આઠ કલાકમાં વીશી છોડીને જતો રહીશ. ભીમરાવનો જવાબ અને રજવાડાનો અધિકારી હોવાના લીધે ટોળું વીખરાઇ ગયું પણ, ભીમરાવના શરીર પર નહીં પણ કાળજે કારમો ઘા થયો હતો. આ આઠ કલાકમાં ભીમરાવ વડોદરામાં ઘર માટે ગલીએ ગલીએ ફર્યા પણ ઘર ના મળતાં મુંબઇ પાછા જવાનો નિર્ણય કર્યો. છેવટે થાકી હારીને તેઓ અત્યારે જ્યાં રેલવે સ્ટેશન છે ત્યાં બેઠા. તેમણે વિચાર્યું કે જે હિંદુઓ માટે અસ્પૃશ્ય છે, તે પારસીઓ માટે પણ અસ્પૃશ્ય છે, મુસ્લિમ કે અન્ય માટે પણ અસ્પૃશ્ય જ છે.
એક વધુ વિગત અહીં સાંભરે છે, એકવાર ભીમરાવ ઔરંગાબાદ અને બીજાં કેટલાંક ઐતિહાસિક સ્થળોએ મિત્રો સાથે ફરવા ગયા હતા. રસ્તામાં દોલતાબાદનો કિલ્લો જોવા રોકાયા. હૈદ્રાબાદ રાજ્યનો ભાગ એવા દોલતાબાદનો કિલ્લો જોવા માટે ભીમરાવ અને સાથીદારો જ્યારે જાય છે ત્યારે થાકના લીધે તેઓ કિલ્લાની બહાર તળાવના પાણીથી હાથ મોં ધુએ છે. ત્યારે આ લોકો અસ્પૃશ્ય હોવાનું જાણી ગયેલો મુસ્લિમ ચોકીદાર ‘અછૂતોએ તળાવ અભડાવ્યું’ એમ બૂમો પાડીને હો-હા મચાવી દે છે. હો-હા સાંભળીને બધાંનું ધ્યાન દોરાય છે. વળી, કેટલાક તો દરેકે પોતાના ધર્મનું પાલન કરવું જોઇએ એવી સલાહ પણ આપે છે. અહીં, ધર્મ એટલે અસ્પૃશ્યોએ જાહેર જગ્યાઓએ આભડછેટનું પાલન કરવાનું અભિપ્રેત છે. છેવટે સુપ્રિટેન્ડેન્ટના જોડે મામલો પહોંચતાં, ભીમરાવનું નામ સાંભળી કિલ્લો જોવાની પરવાનગી મળે છે. પણ જોડે એક ચોકીદાર સતત રહે છે,કે જેથી, કિલ્લામાં અન્ય વસ્તુઓ અભડાય નહીં.
વડોદરાના અનુભવોએ તેમને ચોધાર આંસુએ રડાવી દીધા હતા. મુંબઇ પહોંચી તેમણે વડોદરાનાં વીતકો વિશે કૃષ્ણાજી કેલુસ્કરને વાત કરી. કૃષ્ણાજીએ મહારાજાને પત્ર લખી બધી જાણ કરી. આ સમય દરમિયાન કૃષ્ણાજીના મિત્ર અને વડોદરામાં પ્રોફેસર એવા એસ.એલ. જોશી કૃષ્ણાજીને મળવા આવ્યા. એમણે વાત જાણી ભીમરાવ નિઃસંકોચ પોતાને ત્યાં રહી શકશે એમ જણાવી ભીમરાવને પોતાને ત્યાં મોકલવા જણાવ્યું. બીજો કોઇ હોય તો આટલા અનુભવો પરથી ફરી વડોદરા જવાનો નિર્ણય ના લે, પણ, મહારાજાનું ઋણ ઉતારવાના એકમાત્ર ઉદ્દેશ્યથી ભીમરાવે ફરીથી વડોદરા જવાનો નિર્ણય કર્યો.
તેઓ જેવા વડોદરા સ્ટેશને ઉતર્યા ત્યારે ભીમરાવના સ્વાગતમાં આવેલા, પ્રોફેસર જોશીના નોકરે એક ચીઠ્ઠી ભીમરાવને આપી જેમાં લખ્યું હતું, “ આપ મારી સાથે રહો એ અંગે મને તો વાંધો છે જ નહીં. હું તો નાતજાતમાં કે આભડછેટમાં માનતો જ નથી. પણ મારી પત્ની રૂઢિચુસ્ત છે એની નામરજીને કારણે હું આપને મારી સાથે રાખી શકું એમ નથી, તો મને ક્ષમા કરશો.” ચીઠ્ઠી વાંચી ભીમરાવના પગ નીચેથી જમીન સરકી ગઇ. એમણે સ્ટેશન પરથી જ પાછા ફરવાનો નિર્ણય કર્યો. જીવનનાં બાકીનાં વર્ષોમાં ક્યારેય ભીમરાવ વડોદરા પાછા આવ્યા નહીં. વડોદરાની ઘટનાઓએ ભીમરાવના દિલોદિમાગ પર કારમો આઘાત પહોંચાડ્યો હતો. કહેવાતી 'સંસ્કારી નગરી'નું અસલી ચરિત્ર ડો. આંબેડકરે અહીં ગાળેલા 11 દિવસમાં સ્પષ્ટ રીતે છતું થયું હતું. એ અનુભવો પછી એમણે આજીવન અસ્પૃશ્યોના હકો અને અસ્પૃશ્યતા નિવારણ માટે લડવાનું નક્કી કરી દીધું. 1917માં વડોદરાથી પાછા ફર્યા બાદ તેઓ મુંબઇમાં જ વસી ગયા.