દેશને હોકીમાં પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ એક આદિવાસી કેપ્ટને અપાવ્યો હતો
આજથી 100 વર્ષ પહેલા એ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણ્યો હતો. 'હોકીના જાદુગર' તેમની કેપ્ટનશીપમાં રમ્યાં હતા. જાણો એ યુવકે પછી દેશના આદિવાસીઓ માટે શું કર્યું.
આજથી 100 વર્ષ પહેલા કોઈ આદિવાસી યુવક ઓક્સફર્ડ યુનિ.માં ભણતો હોય એવું કોઈને કહીએ તો તે માને ખરું? એમાંય પાછું એમ કહો કે એ આદિવાસી યુવકે ભારતને તેનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તો એ સાંભળીને તો મનુવાદીઓનો જીવ બળીને રાખ થઈ જાય. પણ આ હકીકત છે અને તેને કોઈ બદલી શકે તેમ નથી.
વાત છે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની. હજુ ગઈકાલે જ તેમનો જન્મદિવસ ગયો. 3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડમાં જન્મેલા જયપાલસિંહ “મરાંગ ગોમકે” તરીકે ઓળખાતા હતા. તેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો: એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે
મનુવાદીઓથી જરાય સહન ન થાય તેવી વાત એ છે કે તેઓ એ જમાનામાં ઓક્સફર્ડ જેવી વિખ્યાત યુનિવર્સિટીમાં ભણ્યા હતા. અહીં અભ્યાસ કરતી વખતે તેમણે હોકીમાં 'ઓક્સફર્ડ બ્લુ'નો ખિતાબ જીત્યો હતો અને 1928ના ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની કેપ્ટનશીપ કરી દેશને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ભારતીય સિવિલ સર્વિસ છોડીને તેમણે આદિવાસી મહાસભા અને ઝારખંડ પાર્ટી દ્વારા ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો હતો. બંધારણ સભાના સભ્ય અને આદિવાસી અધિકારોના કટ્ટર હિમાયતી તરીકેની તેમની ભૂમિકા ઐતિહાસિક હતી. તેમની 121મી જન્મજયંતિ પર, ઝારખંડના આદિવાસી ભાઈઓ-બહેનો, મુખ્યમંત્રી હેમંત સોરેન સહિતના સૌએ મળીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.
અસાધારણ પ્રતિભાને ઓળખી સ્કૂલે બ્રિટન મોકલ્યાં
3 જાન્યુઆરી 1903ના રોજ ઝારખંડના ખુંટી જિલ્લાના ટકરા ગામમાં જન્મેલા જયપાલ સિંહ મુંડા, જેઓ "મરાંગ ગોમકે" (મહાન નેતા) તરીકે જાણીતા છે, તેમણે તેમના સંઘર્ષ અને સિદ્ધિઓથી ઈતિહાસ રચ્યો હતો. બાળપણમાં પ્રમોદ પાહણ તરીકે ઓળખાતા જયપાલ સિંહે રાંચીની સેન્ટ પોલ સ્કૂલમાં પોતાની પ્રતિભા બતાવી હતી. તેમની અસાધારણ ક્ષમતાઓને ઓળખીને શાળાના બ્રિટિશ આચાર્યએ તેમને 1918માં ઈંગ્લેન્ડ મોકલ્યા હતા. ત્યાં તેમણે સેન્ટ ઓગસ્ટાઈન કોલેજ, સેન્ટ જૉન્સ કૉલેજમાં અભ્યાસ કરીને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
ભારતીય હોકીને પ્રથમ ગોલ્ડ અપાવ્યો
ઓક્સફર્ડમાં અભ્યાસ દરમિયાન જયપાલ સિંહે હોકીમાં પોતાની પ્રતિભા બતાવી હતી. એ જમાનામાં કોઈ આદિવાસી યુવક વિદેશ જાય અને ત્યાં આટલી મોટી સિદ્ધિ મેળવે તે કેટલી મોટી ઘટના હશે તેની કલ્પના કરો! 1925 માં તેમને 'ઓક્સફોર્ડ બ્લુ' નું બિરુદ આપવામાં આવ્યું હતું, જે કોઈપણ આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી માટે એક દુર્લભ સન્માન હતું. 1928 માં તેમની કપ્તાની હેઠળ ભારતીય હોકી ટીમે એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની નેતૃત્વ ક્ષમતા અને ટીમ વ્યૂહરચના ભારતીય હોકીને પ્રથમ વખત વૈશ્વિક મંચ પર લઈ આવી હતી. જો કે દેશમાં આદિવાસી મહાનાયકોની સિદ્ધિઓને ભૂંસી નાખવા માટે કુખ્યાત મનુવાદીઓએ જયપાલસિંહ મુંડાની આ સિદ્ધિને પણ કોરાણે મૂકી દીધી છે. તેમની આ સુવર્ણ સફરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ પણ ટીમનો ભાગ હતા, જેમણે પોતાની શાનદાર રમતથી દુનિયાને ચોંકાવી દીધી હતી.
આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષ કર્યો
હોકીમાં સુવર્ણ સફળતા પછી જયપાલ સિંહે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમના અધિકારો માટે લડવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. 1938માં તેમણે આદિવાસી મહાસભાની રચના કરી અને 1939માં તેનું પ્રમુખપદ સંભાળ્યું. તેઓ સુભાષ ચંદ્ર બોઝને મળ્યા અને ઝારખંડ રાજ્યની માંગ પર ભાર મૂક્યો. 1946 માં તેઓ બંધારણ સભાના સભ્ય બન્યા અને આદિવાસી સમાજના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો.
ઝારખંડ પાર્ટીની રચના અને રાજકીય સંઘર્ષ
1949 માં તેમણે આદિવાસી મહાસભાને ઝારખંડ પાર્ટીમાં પરિવર્તિત કરી. 1952ની લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ઝારખંડ પાર્ટીએ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં 32 બેઠકો જીતી હતી. વર્ષ 1963માં તેમણે ઝારખંડને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વચન પર પોતાના પક્ષનું કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું. અલગ ઝારખંડ રાજ્યનું તેમનું આ સ્વપ્ન છેક વર્ષ 2000 માં સાકાર થયું. આજે ઝારખંડમાં આદિવાસી સમાજમાંથી આવતા હેમંત સોરેનની સરકાર છે.
121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ
3 જાન્યુઆરી, 2025 ના રોજ, ઝારખંડે તેના આ મહાન નાયકને તેની 121મી જન્મજયંતિ પર ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ ખુંટીના ટકરા ગામમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ઝારખંડ આંદોલનના સેંકડો કાર્યકરો અને સમર્થકો રાંચીના જયપાલ સિંહ સ્ટેડિયમ ખાતે એકઠા થયા હતા અને જયપાલસિંહ મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઝારખંડ સરકાર અને જનતાએ તેમના મહાન વારસાને યાદ કર્યો અને આદિવાસી સમાજના ઉત્થાન પ્રત્યેના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
જયપાલ સિંહ મુંડા માત્ર એક નામ નહોતા, પરંતુ એક મહાનાયક હતા જેમણે આદિવાસી અધિકારો, રમતગમત અને રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન સંઘર્ષ, સમર્પણ અને આદિજાતિના અવાજનું પ્રતીક છે. તેમનો વારસો ઝારખંડ અને સમગ્ર ભારત માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
આ પણ વાંચો: આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા