દલિત સગીરાને 3 દિવસ સુધી ગોંધી રાખી ત્રણ યુવકોએ ગેંગરેપ કર્યો
સગીરા ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી ત્યારે ઓળખીતા યુવકે તેને ફોસલાવીને લિફ્ટ આપી તેનું અપહરણ કર્યું. ગામથી દૂરના ઘરમાં ગોંધી રાખી. જ્યાં 3 યુવકોએ ગેંગરેપ કર્યો.

Minor Girl Gangraped: જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશમાં એક દલિત સગીરા સાથે ગેંગરેપનો થયાનો મામલો સામે આવ્યો છે. અહીં અમેઠી જિલ્લામાં ત્રણ યુવકોએ એક દલિત કિશોરીને એક ઘરમાં ગોંધી રાખી ત્રણ દિવસ સુધી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તપાસ બાદ જ્યારે મામલો સાચો હોવાનું માલુમ પડ્યું ત્યારે પોલીસે ચાર આરોપીઓ સામે કેસ નોંધ્યો અને ત્રણ આરોપીઓને કસ્ટડીમાં લીધા. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે, પોલીસ તેની શોધ કરી રહી છે.
મામલો ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં એક ૧૩ વર્ષની એક દલિત છોકરી ૨૬ ડિસેમ્બરે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. છોકરી ગુમ થયા પછી તેના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને છોકરીની શોધ શરૂ કરી હતી. એ દરમિયાન અચાનક ૧ જાન્યુઆરીના રોજ છોકરી તેના પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને તેણે જે આપવીતી સંભળાવી તેનાથી પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા.
આ પણ વાંચોઃ દલિત યુવતીને ગોંધી રાખી પરાણે દારૂ પીવડાવી 5 યુવકોએ ગેંગરેપ કર્યો
ત્રણ દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો
પીડિતાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનો બોયફ્રેન્ડ, જે ગૌરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો રહેવાસી છે, તે તેને લિફ્ટ આપવાના બહાને ફોસલાવીને અમેઠી લઈ ગયો હતો. સાહિલ નામના આ યુવકે અહીં તેને પહેલેથી જ હાજર નીલેશ, શેખર સિંહ અને સુરજીત સિંહ સાથે છોડી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. સાહિલ ગયા પછી, ત્રણેય યુવકો સગીરાને ગૌરીગંજના સકરાવા ગામમાં એક ઘરે લઈ ગયા. જ્યાં તેણીને બંધક બનાવીને ત્રણ દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો.
ધમકી આપી ટ્રેનમાં બેસાડી દીધી
ગુનો કર્યા પછી આ યુવકોએ સગીરાને ધમકી આપી અને 28 ડિસેમ્બરના રોજ તેણીને પદ્માવત એક્સપ્રેસમાં બેસાડી દીધી હતી. એ પછી છોકરી દિલ્હી પહોંચી હતી અને ત્યાં જેમ તેમ કરીને તેની બહેનના ઘરે પહોંચી અને પોતાની સાથે જે થયું તેની વાત કહી. ગૌરીગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી સગીરાએ પોલીસને ઘટનાની જાણ કરી. ત્યારબાદ તેણીને વન સ્ટોપ સેન્ટરમાં મોકલવામાં આવી અને પોલીસ, મેડિકલ અને કોર્ટમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું.
એક આરોપી હજુ પણ ફરાર
પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીઓની કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવા સાચા હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ પોલીસે POCSO અને બળાત્કાર સહિતની અન્ય કલમો ઉમેરીને આરોપીઓની શોધ શરૂ કરી દીધી હતી. દરમિયાન, ગૌરીગંજના એસએચઓ શ્યામ નારાયણ પાંડેએ જણાવ્યું હતું કે સાહિલ, સુરજીત અને શેખરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નિલેશ નામનો આરોપી હજુ પણ ફરાર છે. તેની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત પરિવારની બે સગી બહેનોને 40 દિવસ સુધી ગોંધી રાખી ગેંગરેપ