સનાતન ધર્મ એટલે ‘ગાય અને બ્રાહ્મણો’ને જલસા : કેરળના મુખ્યમંત્રી
મનુવાદી વર્ણવ્યસ્થા પર આકરા ચાબખા મારવા માટે જાણીતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સ્ટેજ પરથી મનુવાદી સનાતન ધર્મ અને જાતિ પ્રથાના છોતરાં કાઢી નાખ્યાં.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સનાતન ધર્મ અને જાતિ પ્રથા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સનાતન ધર્મને વર્ણાશ્રમ ધર્મનો જ અભિન્ન હિસ્સો ગણાવ્યો અને કહ્યું કે તે ચાતુર્વર્ણ પદ્ધતિ પર જ આધારિત છે. મુખ્યમંત્રીએ કહ્યું, "વર્ણાશ્રમ ધર્મ વંશપરંપરાગત વ્યવસાયોનો મહિમા કરે છે, પરંતુ શ્રી નારાયણ ગુરુએ આ વંશપરંપરાગત વ્યવસાયોને પડકાર્યા હતા. આવી સ્થિતિમાં નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક કેવી રીતે કહી શકાય?"
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે શીવગીરી માધોમ ખાતે 92મી શિવગીરી યાત્રાનું ઉદ્ઘાટન કરતી વખતે સામાજિક સુધારણાનો સંદેશ આપ્યો હતો. તેમણે શિવગીરી માધોમ દ્વારા ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે શર્ટ ઉતારવાની પ્રથાને ખતમ કરવાની અપીલને આધુનિક અને પ્રગતિશીલ મૂલ્યોને અનુરૂપ ગણાવી. મુખ્યમંત્રીએ કહ્યું કે શિવગીરી માધોમના પ્રમુખ સ્વામી સચિતાનંદે આ પ્રથાને જૂના સમયની અવશેષ ગણાવી હતી, જે આજના પ્રગતિશીલ સમાજમાં અપ્રસ્તુત છે.તેમના શબ્દો શ્રી નારાયણ ગુરુના સુધારાવાદી વિચારો અને સંદેશને પ્રતિબિંબિત કરે છે.
શ્રી નારાયણ ગુરુ અને સુધારાવાદી આંદોલન
પી. વિજયને કહ્યું કે, શ્રી નારાયણ ગુરુ સાથે સંકળાયેલા મંદિરોએ આ પ્રથા છોડી દીધી છે અને તેમને આશા છે કે અન્ય મંદિરો પણ આ દિશામાં પગલાં લેશે. તેમણે શ્રી નારાયણ ગુરુને સનાતન ધર્મના સમર્થક તરીકે રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે સનાતન ધર્મ અને વર્ણાશ્રમ ધર્મમાં કોઈ ખાસ તફાવત નથી. બંને સમાજ વ્યવસ્થાને જાતિના આધારે બાંધી રાખે છે અને નીચલા વર્ગો માટે સામાજિક પ્રગતિના રસ્તાઓ બંધ કરે છે.
સનાતન ધર્મ પર તીક્ષ્ણ પ્રહાર કરતા વિજયને કહ્યું, "સનાતન ધર્મ સાર્વત્રિક કલ્યાણની વાત કરે છે પરંતુ તેની પાછળ 'ગાય અને બ્રાહ્મણોની સુખાકારી' ની શરત જોડી દેવામાં આવે છે. આ ધર્મ જાતિની સામાજિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે બ્રાહ્મણવાદી સર્વોપરિતાને પ્રોત્સાહન આપે છે. તેમણે તેને 'સિંગલ પાવર'ના ગુણગાન અને સામાજિક-આર્થિક અસમાનતાઓને જાળવી રાખનાર ગણાવ્યો હતો.
પિનરાઈ વિજયને મહાભારતમાં ન્યાયની અસ્પષ્ટતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહાભારત એ યુગની રચના છે જ્યારે સમાજ આદિવાસી વ્યવસ્થાથી જાતિના રાજકારણમાં બદલાઈ રહ્યો હતો. શ્રી નારાયણ ગુરુએ આ ગ્રંથની ન્યાય પ્રત્યેની અસ્પષ્ટતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "મહાભારત સ્વયં નક્કી નથી કરતું કે ધર્મ શું છે, પરંતુ ધર્મ વિશે શંકા અને પ્રશ્નો ઉભા કરે છે." મુખ્યમંત્રીએ વર્તમાન સંદર્ભમાં ‘સનાતન હિન્દુત્વ’ની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, "આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે સનાતન હિંદુત્વને અત્યંત શ્રેષ્ઠ અને ભવ્ય તરીકે દર્શાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેને તમામ સામાજિક સમસ્યાઓનું સમાધાન કહેવામાં આવે છે."
તેમણે ‘લોકા: સમસ્તા સુખીનો ભવન્તુ" જેવા સૂત્રની ચર્ચા કરતાં કહ્યું કે આ સૂત્રનો અર્થ ચોક્કસપણે સકારાત્મક છે અને તે સાર્વત્રિક સુખની કામના કરે છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેને માત્ર હિન્દુત્વની વિશેષતા તરીકે રજૂ કરવું તે સુનિયોજિત નેરેટિવનો હિસ્સો છે.
દલિતો અને પછાત લોકો માટે ન્યાયની માંગ કરતા વિજયને કહ્યું કે, આજે પણ ગ્રામીણ ઉત્તર ભારતમાં દલિતો, પછાતો અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ અત્યાચારોને રાજકીય અને વહીવટી રક્ષણ મળે છે, જેના કારણે ગુનેગારો કાયદાની પકડમાંથી છટકી જાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શ્રી નારાયણ ગુરુનો માનવતાવાદી સંદેશ સામાજિક સમાનતા અને ન્યાયનો માર્ગ બતાવે છે. તેમણે બધાંને આગ્રહ કર્યો કે સામાજિક સુધારા માટે શિવગીરીના ઐતિહાસિક નેતૃત્વને અનુસરે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા-ગૌમાતાનો દરજ્જો આપ્યો