કૉલેજની ફી ન ભરી શકતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
22 વર્ષની દલિત યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને બાકી ફી ચૂકવી દેવા માટે કોલેજ તરફથી સતત દબાણ કરવામાં આવતું હતું. જેનાથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે.
Dalit girl hangs herself : એક બાજુ દેશ આખામાં યુવાધન નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યું હતું. બીજી તરફ હરિયાણામાં એક દલિત યુવતીએ આત્મહત્યા કરી હોવાના સમાચારને લઈને મામલો ગરમાયો હતો. યુવતી ફી નહોતી ભરી શકી જેના કારણે કૉલેજે તેને પરીક્ષામાં બેસતા અટકાવી હતી. આ ઘટનાથી તેણીને ભારી લાગી આવ્યું હતું અને તેણે ઘરે આવીને રાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. વિચારો, કોલેજની ફી ન ભરી શકવાને કારણે તેને કેટલી માનસિક યાતના અને ત્રાસનો સામનો કરવો પડ્યો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી?
મૃતક 22 વર્ષીય દીક્ષાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેને પોતાની બાકી ફી તરત ચૂકવી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેને હેરાન કરવામાં આવી હતી. તે ભિવાની જિલ્લાની એક ખાનગી મહિલા કોલેજમાં બીએના અંતિમ વર્ષની વિદ્યાર્થીની હતી.
યુવતીના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી આ મહિને પાંચમા સેમેસ્ટરની પરીક્ષા આપવાની હતી, તેની 35,000 રૂપિયા ફી ભરવાની હતી, પરંતુ કોલેજે ફી બાકી હોવાને કારણે તેને પરીક્ષા આપવા દીધી નહોતી.
તેમણે વધુમાં કહ્યું કે, "મેં કોલેજ તંત્રને ફી જમા કરવા માટે થોડો વધુ સમય આપવા માંગ કરી હતી પરંતુ તેમણે તેનો ઈનકાર કરી દીધો હતો. અમારી અમુક આર્થિક તંગીના કારણે તે સમયસર તેની ફી ભરી શકી નહોતી અને તેની કિંમત તેણે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. તેણે 24મી ડિસેમ્બરે રાતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. બીજા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોલીસે આત્મહત્યાની ફરિયાદ નોંધી છે. પણ અમે 27મી ડિસેમ્બરે કોલેજ વહીવટી તંત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે અમારી દીકરીએ તેમના દબાણને કારણે આત્મહત્યા કરી છે."
આ પણ વાંચોઃ આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો
આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થિની દીક્ષાનો ફાઈલ ફોટો
યુવતીના પિતા જગદીશે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય કેટલાક લોકોએ તેણીને "હેરાન કરીને સતામણી" કરી હતી. તેમણે વધુમાં કહ્યું, "દીકરીના મોત બાદ મારી માનસિક હાલત સારી નહોતી એટલે કોલેજ સામે ફરિયાદ નોંધાવવામાં મોડું થયું.હું મારી પુત્રી માટે ન્યાય માંગું છું." જો કે કોલેજના માલિક હનુમાનસિંહે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે પોલીસને તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ.
પોલીસે શું કહ્યું?
લોહારુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જિતેન્દ્રએ આ મામલે કહ્યું હતું કે, તપાસ દરમિયાન ઘણા પાસાઓ સામે આવ્યા છે. FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
વિદ્યાર્થિનીને ત્રાસ આપવા અંગેના આરોપો મામલે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "અમે તપાસ કરી રહ્યા છીએ. કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ બાકી છે." જોકે, વિદ્યાર્થીના પરિવારની ફરિયાદ પર BNSની કલમ 108 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
રણદીપ સુરજેવાલાએ ન્યાયની માંગ કરી
દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, એ દુઃખદ છે હરિયાણામાં એક દલિત યુવતીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી. સુરજેવાલાએ ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી કે, "આપણા બંધારણની પ્રસ્તાવના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને ન્યાયની વાત કરે છે. પરંતુ હરિયાણામાં એક દલિત દીકરીએ પરીક્ષા ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યા કરવી પડી તે દુઃખદ છે. આ ઘટના ન માત્ર દુ:ખદ છે પરંતુ અત્યંત શરમજનક પણ છે. પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ અને આ બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ."
સામાજિક ન્યાયમંત્રીએ શું કહ્યું?
હરિયાણાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કૃષ્ણ કુમાર બેદીએ કહ્યું કે બાળકીના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા માટે સતત કામ કરી રહી છે. બેદીએ કહ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કપડાં ઉતરાવ્યા, પેશાબ પીવડાવ્યો, થૂંક ચટાડ્યું, દલિત કિશોરે ગળેફાંસો ખાઈ લીધો