ગાયના ચામડામાંથી બનેલી રૂ. 2 લાખની બેગ વાપરતા જયા કિશોરી ટ્રોલ થઈ
લોકોને ગૌપ્રેમ, મોહમાયાથી દૂર રહી ત્યાગનો ઉપદેશ આપતી જયા કિશોરી એરપોર્ટ પર રૂ. 2 લાખની કિંમતની ગાયના ચામડામાંથી બનેલી બેગ સાથે જોવા મળતા લોકોએ બરાબરની ટ્રોલ કરી.
પ્રસિદ્ધ આધ્યાત્મિક ઉપદેશક જયા કિશોરી (Jaya Kishori) એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ (Branded Bag) સાથે જોવા મળી હતી, જે બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ (Troll) કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, આ બેગ બનાવવા માટે ગાયના ચામડા (Cow Leather) નો ઉપયોગ કરવામાં આવે છે અને તેની કિંમત 2 લાખ રૂપિયા (Rs. 2 Lakh) છે.
દેશની જાણીતી આધ્યાત્મિક ઉપદેશક અને ગાયિકા જયા કિશોરી આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ તેમનો પ્રચાર નથી. થોડા દિવસો પહેલા જયા કિશોરી એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. રૂ. 2 લાખથી વધુ કિંમતની કસ્ટમાઈઝ્ડ ડિઓર(Dior) ની બેગને કારણે લોકો તેને બરાબરના ટ્રોલ કરી રહ્યા છે. લોકો જયા કિશોરી પર આરોપ લગાવી રહ્યા છે કે આખી દુનિયાને ભૌતિકવાદથી દૂર રહેવાની અને ત્યાગનો ઉપદેશ આપનારી જયા કિશોરી ખુદ તેમના ઉપદેશથી વિરુદ્ધનું વર્તન કરી રહી છે. 29 વર્ષીય જયા કિશોરી જે 'ડિયોર બુક ટોટ' લઈને જતી જોવા મળી હતી, તેને બનાવવામાં ગાયના ચામડાનો ઉપયોગ થતો હોવાના દાવાને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું તું કે, હોબાળો થતા અને વિવાદ વધતા જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો એરપોર્ટ પરનો એ વીડિયો હટાવી લીધો છે. તે પોતે તો બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતી દેખાય છે અને પોતાને ભગવાન કૃષ્ણની ભક્ત કહે છે. Dior વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બેગ બનાવે છે."
આ પણ વાંચો: ભોલે બાબા સહિત 20 જેટલા નકલી બાબાઓને બ્લેકલિસ્ટ કરાશે
અન્ય યુઝરે લખ્યું, "જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે." બધા ઉપદેશકો આવા જ છે, જેઓ ધર્મનો ઉપયોગ પૈસા કમાવા વૈભવી જીવન જીવવા માટે કરે છે."
અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે જયા કિશોરી ઝૂંપડીમાં રહેવાનો દાવો કરે છે અને તેના અનુયાયીઓને પૈસા પાછળ ન દોડવાનું કહે છે, જ્યારે તે પોતે 2 લાખ રૂપિયાની બેગ ખરીદે છે. હેન્ડબેગમાં ચામડાના ઉપયોગની પણ આકરી ટીકા થઈ રહી છે.
એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ગાયની પૂજા કરવાની વાતો કરનાર ઉપદેશક એક એવી કંપનીની બેગનો ઉપયોગ કરી રહી છે જે ગાયના ચામડામાંથી તેની પ્રોડક્ટ બનાવે છે."
ઉલ્લેખનીય છે કે 13 જુલાઈ 1995ના રોજ કોલકાતામાં જન્મેલી જયા કિશોરી દાવો કરે છે કે તેને નાની ઉમરથી જ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો હતો. આજે તે દેશમાં આધ્યાત્મિક વક્તા, ગાયક અને પ્રેરક વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે જે સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે.
જયા કિશોરી યુવાન હોવાથી સોશિયલ મીડિયામાં તેની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તેના આધ્યાત્મિક વીડિયો ભારે લોકપ્રિય છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના માધ્યમોમાં તેમના વીડિયો જોનારો એક આખો વર્ગ છે. તેમના દેખાવ પાછળ યુવાનો પાગલ છે. પોતાના ભાષણોમાં જયા કિશોરી ગૌપ્રેમ, આધ્યાત્મ, અહિંસા અને ત્યાગની વાતો કરે છે. જો કે થોડા દિવસ પહેલા તે વિદેશથી પરત ફરી રહી હતી ત્યારે તેના ખભે ડિઓર કંપનીની રૂ. 2 લાખની કિંમતની બેગ લટકતી હતી, જે ગાયના ચામડામાંથી બને છે. એ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે અને તેની કથની અને કરણીમાં ફરક હોવાથી લોકો છેતરાયાનું અનુભવી રહ્યાં છે.
આ પણ વાંચો: લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે