ચૂંટણીમાં મહિલા અધિકાર મંચની 2 લાખ સભ્યો NOTA નો ઉપયોગ કરશે
Loksabha Electionમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો મુદ્દો હાંસિયામાં ધકેલાઈ ગયો છે ત્યારે મહિલા અધિકાર મંચની મહિલાઓને NOTAનો ઉપયોગ કરવા આહ્વાન કરાયું છે.
નેતાઓની કથની અને કરણીમાં આભજમીનનું અંતર હોય છે એ હવે ભારત સહિત દુનિયાના કોઈ દેશના નાગરિકોને સમજાવવાની જરૂર નથી. છતાં કેટલાક વાયદાઓ એવા હોય છે જેના વિશે ચર્ચા થાય અને નેતાઓમાં તેને લઈને ગંભીરતા આવે તે જરૂરી છે. આવી જ એક બાબત એટલે મહિલાઓને ચૂંટણીઓમાં 33 ટકા અનામત આપવાનો મુદ્દો. આ એવો મુદ્દો છે જેના વિશે નેતાઓ જાહેરમાં તો લાગુ કરવાની વાત કરે છે પરંતુ જ્યારે ખરેખર તેને લાગુ કરવાનો સમય આવે ત્યારે મોં ફેરવી લે છે. આ વખતની લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ મહિલાઓને ટિકિટ આપવાને લઈને ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ મહિલાઓની અવગણના કરી છે. જેને લઈને હવે મહિલા અધિકાર મંચે મહિલાઓને નોટાનું બટન દબાવવા માટે આહ્વાન કર્યું છે અને આ મામલે મહિલાઓમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.
આ મામલે અમદાવાદ સ્થિત મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડૉ. મિતાલી સમોવા કહે છે, “નેતાઓના ભાષણમાં હંમેશા મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના દાવા કરવામાં આવે છે. એટલુ જ નહી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની પણ વાતો પણ કરવામાં આવે છે. તેના માટે બિલ લાવવાની વાતો થાય છે પરંતુ જયારે ખરેખર મહિલાઓને ટિકિટ આપવાની વાત આવે ત્યારે કોંગ્રેસ અને ભાજપ સહિતના તમામ મુખ્ય રાજકીય પક્ષો પાણીમાં બેસી જાય છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં ફક્ત ચાર મહિલાઓને આ રાજકીય પાર્ટીઓએ પોતાના પક્ષમાંથી ટિકિટ આપી છે. ત્યારે રાજકીય પક્ષોના બેવડા વલણ સામે મહિલા અધિકાર મંચ સાથે જોડાયેલ મહિલાઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. મહિલા અધિકાર મંચ દ્વારા પુરૂષ ઉમેદવારોનો બહિષ્કાર કરવાની સાથે ફક્ત મહિલા ઉમેદવારોને જ વોટ આપવા રાજયભરની મહિલાઓને અપિલ કરી છે. તેમજ જે સીટ ઉપર માત્ર પુરૂષ ઉમેદવારો જ છે એ વિસ્તારના મહિલાઓને નોટાનો ઉપયોગ કરી રાજકારણમાં પુરુષોની મોનોપોલી સામે વિરોધ દર્શાવવા આહ્વાન કરીએ છીએ.”
આ પણ વાંચો:આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
ડૉ. મિતાલી સમોવા વધુમાં જણાવે છે કે, “મહિલાઓનો ઉપયોગ ફક્ત વ્રત કરવા અને વોટ કરવા પુરતો જ સિમિત કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે પરંતુ જો મહિલાઓને તક મળે તો દેશ ચલાવવા પણ સક્ષમ છે. પિતૃસતાક માનસિકતામાં રાચતા રાજકીય પક્ષોને મહિલા વોટની તાકાતનો એહસાસ કરાવવા મહિલા અધિકાર મંચ સાથે જોડાયેલ બે લાખ જેટલા મહિલા મતદારો નોટાનો ઉપયોગ કરશે.”
આ પણ વાંચો:આનંદો! માતા સાવિત્રીબાઈ ફૂલેએ 1848માં શરૂ કરેલી દેશની પ્રથમ કન્યાશાળા રાષ્ટ્રીય ધરોહરમાં ફેરવાશે
બિલ પસાર થઈ ગયું પણ વસ્તીગણતરીની આડમાં સંતાડી દીધું
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2023માં મહિલા અનામત બિલને સંસદના વિશેષ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓમાં 33 ટકા સીટો અનામત રાખવાની વાત હતી. સંસદના વિશેષ સત્ર દરમ્યાન પાસ થયેલા મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ બિલ પર પોતાના હસ્તાક્ષર કરી દીધા છે. જે બાદ હવે તેને કાયદાનું સ્વરૂપ લઈ લીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સહમતિ મળતા જ ભારત સરકારે મહિલા અનામત બિલ માટે એક ગેજેટ નોટિફિકેશન જાહેર કરી દીધું હતું. સંસદમાં આ બિલને નારી શક્તિ વંદના બિલ તરીકે ઓળખવામાં આવ્યું હતું, જે હવે કાયદો બની ગયું છે. પરંતુ વસ્તી ગણતરી અને નવા સીમાંકન બાદ જ તે લાગુ થશે. અને તે વર્ષ 2029 પહેલા લાગુ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. મોદી સરકારે મહિલાઓને વંદનનો જશ ખાટી લીધો હતો પણ તેણે આ પ્રકારની શરતોનું શરણું લઈને મહિલાઓ સાથે ગેમ રમી હતી.
આ પણ વાંચો:EVM-VVPAT ની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં શું દલીલો થઈ?
ભાજપ-કૉંગ્રેસ કોઈએ વચન પાળ્યું નથી
મહિલા અનામત કાયદો બન્યા બાદ હવે દેશની સંસદના બંને સદન-લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત થઈ ગઈ છે. સાથે જ દેશના તમામ રાજ્યોની વિધાનસભામાં પણ મહિલાઓને 33 ટકા અનામતનો હક મળી ગયો છે. હવે દેશની સંસદ સહિત તમામ વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃત્યાંશ સીટો અનામત કરી દેવામાં આવી છે. જો કે આ બિલ અને તેની જોગવાઈઓ માત્ર કાગળ પર જ રહી જવા પામી હોય તેવી સ્થિતિ છે. કેમ કે, લોકસભાની ચૂંટણીમાં ખુદ સત્તાધારી ભાજપે જ મહિલાઓને 33 ટકા સીટો અનામત આપવાની વાતનો અમલ કર્યો નથી.
આ પણ વાંચો:સર, મતદારોને ઈવીએમ પર ભરોસો નથી: પ્રશાંત ભૂષણ
આવું જ કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષોમાં પણ જોવા મળે છે. જો કે રાજકીય પક્ષો ઈચ્છે તો મહિલા અનામત બિલની જોગવાઈઓ લાગુ થયા વિના પણ મહિલાઓને ટિકિટ આપી જ શકે છે. પણ તેઓ એમ નથી કરતા, કેમ કે, છેવટે તો નેતાઓ પણ પુરૂષો છે અને તેમને તેમની સત્તામાં મહિલાઓ ભાગ પડાવે તે જરાય ગમતી વાત નથી.
આ પણ વાંચો:લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.