અમદાવાદ શહેર ડીઈઓ કચેરી ૧ હજાર સ્કૂલમાં ચેકિંગ કરશે

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરનું તંત્ર સફાળું જાગ્યું છે. હવે શિક્ષણ અધિકારી સ્કૂલોમાં તપાસ કરશે.

અમદાવાદ શહેર ડીઈઓ કચેરી ૧ હજાર સ્કૂલમાં ચેકિંગ કરશે

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યના તમામ વિભાગો દ્વારા ફાયર સેફ્ટી મામલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેમાં શિક્ષણ વિભાગનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય હવે સરકારના આદેશથી રાજ્યભરની તમામ બિલ્ડીંગ, કોમ્પલેક્ષ, એકમો, હોસ્પિટલો, સ્કૂલ, કોલેજોમાં ફાયર એનઓસીની તપાસ શરૂ કરવામાં આવી છે.

જે માટે અમદાવાદ ડીઈઓ કચેરી દ્વારા વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.  જેમાં અમદાવાદ શહેર ડીઈઓ કચેરી હેઠળ આવતી ૧ હજાર સ્કૂલમાં ચેકિંગ  હાથ ધરવામાં આવ્યું છે. શાળાઓમાં ફાયર સેફ્ટીના ચેકિંગના મામલે અમદાવાદ ડીઈઓ રાકેશ ચૌધરીએ જણાવ્યું છે કે, અમદાવાદ કચેરીના ૨૦ જેટલા અધિકારીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. દરેકને ઓછામાં ઓછી પાંચ શાળાઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે બે દિવસમાં લગભગ ૨૦૦ જેટલી શાળાઓની ચકાસણી કરવામાં આવી છે. શાળાઓનો સવારનો સમય હોય છે. અધિકારીઓને સોંપેલ પાંચ શાળા પ્રમાણે રોજ ૧૦૦ જેટલી શાળાઓની ચકાસણી થાય છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય ડીઈઓ દ્વારા ૭૦ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી છે.

આ તપાસ માં શહેર ડીઈઓ હેઠળની ૯ અને ગ્રામ્યની ૧૦ સ્કૂલોમાં ફાયર એનઓસીની મુદ્દત પુરી થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે. કોર્પોરેશન અને ડીઈઓ ઉપરાંત ગ્રામ્યની સ્કૂલોમાં મામલતદાર કચેરીએથી પણ ફાયર સેફ્ટીની તપાસ થઈ રહી છે. આ સિવાય ડીઈઓ હેઠળની ૧૧ સ્કૂલોમાં ધાબા પર પતરાના-પ્લાસ્ટીકના શેડ હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પરિણામે આ સ્કૂલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ સ્કૂલો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેમાં ૮ સ્કૂલોનું રૂબરૂ હિયરીંગ પૂર્ણ કરાયું છે અને ત્રણ સ્કૂલોનું બાકી છે. આ સ્કૂલોને શેડ તોડી નાખવા અથવા સીલ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે. 

શિક્ષણ વિભાગ અમદાવાદના ડીઈઓ રાકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે શાળાઓમાં ફાયર એનઓસી, ફાયરના ઉપકરણો ચાલું હાલતમાં છે કે કેમ અને ચાલું કરીને બતાવે તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે. જરૂર પડે તો અમે શાળાઓમાં તેનું રિહર્સલ પણ કરાવીએ છીએ. અઠવાડિયા સુધી અમારી આ તપાસ ચાલુ રહેશે. જે સ્કૂલોની ફાયર એનઓસીની મુદત આગામી એક મહિનામાં પૂર્ણ થવાની હોય તેમને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. થોડા સમય બાદ જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે એ પહેલા અમદાવાદ શહેરની દરેક શાળાના આચાર્યને પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવી, જરૂરી હોય તે નવા સાધનો વસાવી લેવા, ફાયર સેફ્ટી ઉપકરણો કાર્યરત રાખવા, ફાયર એનઓસી રિન્યૂ કરવા, ફાયર સેફ્ટીના સાધનોની તાલીમ અને મોકડ્રીલ, બાળકો-કર્મચારીઓને ઈમરજન્સી એન્ટ્રી-એક્ઝિટની જાણકારી આપવી વગેરેનું પાલન દરેક શાળાએ અવશ્ય કરવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: જિલ્લા પંચાયતોમાં નાયબ ડીડીઓની ચેમ્બરોમાંથી એસી હટાવવા આદેશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.