મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5,04,313 'વધારાના' મતોનો હિસાબ કોણ આપશે?

EVM નો મુદ્દો ફરી ચગ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5,04,313 'વધારાના' મતોનો હિસાબ કોણ આપશે?
image credit - Google images

મહારાષ્ટ્રની ચૂંટણીમાં આવેલા પરિણામો બાદ કોંગ્રેસે ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમના વિરોધમાં સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા જેવી જ ઈવીએમ છોડો યાત્રા કાઢવાની વાત કરી છે. ઈવીએમનો મુદ્દો પહેલેથી જ શંકાસ્પદ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં 5 લાખ જેટલા મતો વધુ પડ્યાં હોવાનું એક વિશ્લેષણમાં સામે આવ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના મતદારોના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મતોની ગણતરી અને પડેલા મતો વચ્ચે મોટો તફાવત છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) અનુસાર, અંતિમ મતદાન 66.05% હતું, જેમાં કુલ 64,088,195 મતદારોએ મત આપ્યા હતા. પરંતુ ગણતરી કરાયેલા કુલ મતોમાં 64,592,508 નો ઉમેરો થાય છે, જે કુલ પડેલા મતો કરતાં 504,313 વધુ છે.

8 વિધાનસભા સીટો પર ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતા ઓછી નીકળી

5,04,313 નો આ તફાવત સમગ્ર રાજ્યમાં ગણવામાં આવેલા વધારાના મત દર્શાવે છે. જ્યારે આઠ વિધાનસભા મતવિસ્તારમાં ગણતરી કરાયેલા મતોની સંખ્યા મતદાન કરતાં ઓછી હતી, જ્યારે બાકીના 280 મતવિસ્તારમાં ગમવામાં આવેલા મત નાખવામાં આવેલા મતથી વધુ હતા. સૌથી મોટી વિસંગતતા અષ્ટી મતવિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં મતદાન કરતાં 4,538 વધુ મત ગણવામાં આવ્યા હતા. મતલબ જેટલા મત પડ્યા નહોતા તેનાથી વધુ મત ગણવામાં આવ્યા. ઉસ્માનાબાદ મતવિસ્તારમાં પણ તફાવત 4,155 મતોનો છે.

વિધાનસભા ચૂંટણીની આ ગેરરીતિઓ મે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર મતદાનના ડેટા અને ફોર્મ 17C સંબંધિત ચિંતાઓની યાદ અપાવે છે. વાસ્તવમાં, ફોર્મ 17C દરેક મતદાન મથક પર પડેલા મતોની સંખ્યા રેકોર્ડ કરે છે. ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ દરેક મતદાન તબક્કાના 48 કલાકની અંદર મતદાન મથક મુજબ મતદાર મતદાનનો ડેટા જાહેર કરવા જણાવ્યું હતું, જેમાં પ્રારંભિક અને અંતિમ મતદાનના આંકડાઓ વચ્ચે 5-6% ની વિસંગતતા હતી.

પરંતુ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની દલીલોને ટાંકીને આ વિનંતીને ફગાવી દીધી હતી કે આ પ્રકારનો ખુલાસાથી તાર્કિક સમસ્યાઓ પેદા થઈ શકે છે, ડેટાના દુરુપયોગ અંગે ચિંતા વધી શકે છે અને તેમાં સ્પષ્ટ કાયદાકીય આધારનો અભાવ છે. ECIએ જણાવ્યું હતું કે ફોર્મ 17C ડેટા ઉમેદવારોના એજન્ટોને આપવામાં આવે છે, પરંતુ તે જાહેર પ્રચાર માટે નથી. પરંતુ 10 વર્ષ પહેલા આ ફોર્મ 17Cનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આના પર ક્યારેય કોઈ પ્રતિબંધ નહોતો. ચૂંટણી પંચ તેના ભૂતકાળના રેકોર્ડ કેમ તપાસતું નથી?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીએ ચૂંટણી પ્રક્રિયામાં ડેટાની પારદર્શિતા પર નવા પ્રશ્નો ઉભા કર્યા છે. ચૂંટણી પંચે ભૂતકાળની વિસંગતતાઓ માટે ડેટા અપડેટ કરવાની અને એકત્ર કરવાની પ્રક્રિયાને જવાબદાર ઠેરવી છે. જાહેરમાં ઉપલબ્ધ વિસ્તૃત મતદાન કેન્દ્ર ડેટાનું ન હોવું, જેમ કે ફોર્મ 17સી સંબંધમાં એડીઆરની અગાઉની અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું, એ જ સ્થિતિ આજે પણ છે. ફોર્મ 17સી દ્વારા ન મળનારો ડેટા અને તેની ખરાઈના અભાવમાં સમગ્ર પ્રક્રિયા પડકારરૂપ બની ગઈ છે.

વધુમાં, હાલની વિસંગતતાઓ ચૂંટણી પરિણામો પર તેમની સંભવિત અસર વિશે પ્રશ્નો ઉભા કરે છે. ખાસ કરીને જ્યાં ઓછા મતોથી જીત અને હાર થઈ છે. આવા વિધાનસભા મતવિસ્તારોમાં આ આંકડાઓ પડેલા અને ગણેલા મતોમાં તફાવતની કોઈપણ પેટર્નને જાહેર નથી કરતી. પરંતુ અમુક સો કે હજાર મતોનો તફાવત નિર્ણાયક બની શકે છે અને હકીકત એ છે કે આવી વિસંગતતાઓ ઘણા મતવિસ્તારોમાં બહાર આવી છે. આવી સ્થિતિમાં, પરિણામો કેવી રીતે વિશ્વસનીય હોઈ શકે?

નવાપુરનું ઉદાહરણ

ચૂંટણી પંચના ડેટા અનુસાર, નવાપુર (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 2,95,786 છે અને મતદાન 81.15% થયું હતું. મતલબ કે 20 નવેમ્બરે 2,40,022 વોટ પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર, કુલ 2,41,193 મતોની ગણતરી કરવામાં આવી હતી, જે મતદાન કરતાં 1,171 મત વધુ છે. હવે જુઓ - અહીં જીતનું માર્જિન 1,122 જેવા નજીવા મતોનું હતું. એટલે 1171 મત જે વધારે હતા, અને હારજીતનું અંતર 1122 મતોનું છે, તો આ જે 1171 વધારાના મતો છે, તે આ વિધાનસભા સીટના પરિણામોને સંદિગ્ધ બનાવે છે, કેમ કે હારજીતમાં માત્ર 1122 મતોનું જ અંતર છે.

માવલ વિધાનસભા મતવિસ્તાર

બીજા મતવિસ્તારનું ઉદાહરણ લઈએ જ્યાં મતદાનની તુલનામાં ઓછા મતોની ગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, માવલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ મતદારોની સંખ્યા 3,86,172 છે અને 72.59% મતદાન થયું હતું. મતલબ કે 20 નવેમ્બર 2024ના રોજ 2,80,319 મત પડ્યા હતા. જો કે, કમિશન દ્વારા પ્રકાશિત પરિણામો અનુસાર, કુલ મતોની ગણતરી 2,79,081 હતી, જે મળેલા મતો કરતાં 1,238 મત ઓછા છે. આ વિધાનસભા મતવિસ્તારના પરિણામોને શું કહેવું જોઈએ?

જો કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને વોટર વેરીફાઈએબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) સ્લીપના સંચાલન દરમિયાન ક્લાર્કની ભૂલો, ડેટા એન્ટ્રી અથવા ટેકનિકલ ક્ષતિઓ સહિતના વિવિધ કારણોસર વિસંગતતાઓ આવી શકે છે, પરંતુ પારદર્શિતા માટે મજબૂત ઓડિટ કેમ કરવામાં આવતું નથી તે સવાલ છે.

આ પણ વાંચો: EVMમાં ચેડાં કરી શકાય છે, મેં વર્ષો સુધી તેનો અભ્યાસ કર્યો છે - સામ પિત્રોડા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.