કવિ ગૌતમ વેગડા ચીનમાં આંતરાષ્ટ્રીય યુવા કવિતા મહોત્સવમાં ભાગ લેશે

ગુજરાતના જાણીતા દલિત કવિ ગૌતમ વેગડા આજથી ચીનમાં શરૂ થવા જઈ રહેલા ઈન્ટરનેશનલ યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

કવિ ગૌતમ વેગડા ચીનમાં આંતરાષ્ટ્રીય યુવા કવિતા મહોત્સવમાં ભાગ લેશે
image credit - Google images

ગુજરાતના દલિત-બહુજન સમાજ માટે ગર્વથી છાતી ફૂલી જાય તેવા સમાચાર આવ્યાં છે. ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત સમાજની સમસ્યાઓને વાચા આપતા કવિ ગૌતમ વેગડા આજથી ચીનમાં શરૂ થવા જઈ રહેલા ઈન્ટરનેશનલ યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં પોતાની કવિતાઓ રજૂ કરશે. 18 થી 24 જુલાઈ સુધી ચાલનારા આ યુવા કવિતા મહોત્સવમાં દુનિયાભરમાંથી કવિઓ ભાગ લેવાના છે અને તેમાં ગુજરાતમાંથી એકમાત્ર ગૌતમભાઈને આમંત્રણ મળેલું છે.

કવિ ગૌતમ વેગડા અગાઉ 14મી એપ્રિલ 2024ના રોજ અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ પોતાની જાતિવિરોધ કવિતાઓ રજૂ કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમની કવિતાઓ ગુજરાતના સીમાડા વટાવીને વિદેશની ધરતી સુધી પહોંચવા જઈ રહી છે.

હાલ ગૌતમભાઈ એકમાત્ર ગુજરાતી કવિ છે જેઓ અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખે છે. તેમની એન્ટિ કાસ્ટ કવિતાઓ દુનિયાભરમાં જાણીતી છે. દલિત સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે કે ચીનમાં યોજાનાર કવિતા મહોત્સવમાં એક સાવ અંતરિયાળ ગામડાના, અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા અને જાતમહેનતે આગળ આવેલા એક દલિત યુવાનની કવિતાઓ રજૂ થશે.

ઉલ્ખેનીય છે કે, ગુજરાતમાંથી હાલ ગૌતમ વેગડા એક જ એવા દલિત લેખક છે જે સીધી અંગ્રેજીમાં કવિતા લખે છે. તેમના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એક છે Vultures and other poems(ગીધ અને બીજી કવિતાઓ)  અને Strange Case of Flesh and Bones(હાડમાંસનો વિચિત્ર કિસ્સો). આ સિવાય ત્રીજો કાવ્યસંગ્રહ આવી રહ્યો છે. 

આ પણ વાંચો: Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો

તેમનું પીએચડી પણ પર્યાવરણીય જસ્ટિસ અને દલિત સાહિત્ય પર છે. અગાઉ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં તેમણે પર્યાવરણને અને દલિતોને લઈને જે કવિતાઓ લખી છે તે રજૂ કરી હતી. તેમની કવિતાઓના શીર્ષકો પહેલી નજરે વિચિત્ર લાગે તેવા હોય છે. જેમ કે, અળસિયું, શાહુડી, તેતર, વિંછી, દીપડો, હાથી, લજામણી, ટિટોડી, ગીધ વગેરે.

ગૌતમભાઈ કહે છે, "શા માટે હું ગીધની વાત કરું છું? હું મોર, પોપટ કે કોયલ એવા સુંદર પક્ષીની વાત કેમ નથી કરતો? એક દલિત તરીકે મારી કલ્પનામાં ગીધ જ કેમ આવ્યું? કેમ કે તેની સાથે આપણે રહ્યાં છીએ. એની સાથે ખાવાનું શેર કર્યું છે. દલિતો જે ખાતા એ જ ગીધ ખાતું. એટલે આ કાર્યક્રમમાં હું દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ શું છે તેની વાત કરવાનો છું."

અગાઉ 14મી એપ્રિલે તેમણે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી કવિતા માત્ર દલિત કવિતા નથી પરંતુ દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ પણ હશે. હું ઝરખની વાત કરું છું. તેને બીજા શબ્દોમાં Bone Collector કહે છે. તે કદી શિકાર નથી કરતું પણ બીજાનો શિકાર છીનવી લે છે અને તેનો સંગ્રહ કરે છે. ઝરખ જ્યાં રહેતું હોય ત્યાં એની બખોલ પાસે હાકડાં ભેગાં કરતું હોય છે. આ પરથી મને યાદ આવે છે કે, દલિતો હાડકા એકઠાં કરતા હતા. તેને બે કે ત્રણ રૂપિયે કિલો વેચતા. જેમાંથી પછી કાંસકા અને બીજી પ્રોડક્ટ બનતી હતી. આ વાત હું ઝરખના માધ્યમથી કરું છું. હું પર્યાવરણના તત્વો પશુ-પંખી-છોડ વગેરેનું દલિતો સાથે શું જોડાણ છે તેની વાત કરીને કવિતા લખું છું. 

ગૌતમ વેગડાએ આગળ જણાવ્યું હતું કે, "એલોવેરા હાલ ધનાઢ્ય વર્ગ માટે એક બ્યૂરી પ્રોડક્ટ છે, લોકો તેના શેમ્પૂ કે ફેસવોશનો ઉપયોગ કરે છે. પણ મારા માટે તેનો અનુભવ જુદો છે. નાનો હતો ત્યારે ઘરમાં ખાવા માટે કશું હોય નહીં ત્યારે મારી મા ખેતરેથી મજૂરી કરીને પાછી ફરતી ત્યારે વાડમાં ઉગેલા કુંવારપાઠા અને થોરના ફૂલ વીણી લાવતી અને તેનું શાક બનાવી અમને ખવડાવતી. આવું શાક અમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ખાતા. એટલે એલોવેરા બીજા લોકો માટે બ્યૂટી પ્રોડક્ટ હશે, પણ મારા માટે તો એ જીવન જીવવાનો એકમાત્ર સોર્સ હતો. કથિત સવર્ણ જ્યારે કુંવારપાઠાને જોશે તો તેને તેમાં બ્યૂટી પ્રોડક્ટ દેખાશે પણ મને એવી લાગણી નથી થતી. એટલે દલિતોનું પર્યાવરણ અલગ છે, પર્યાવરણવાદ અલગ છે. તેનું અર્થઘટન અલગ છે. અને આ બધાંનું કારણ માત્ર અને માત્ર જાતિ છે. કારણ કે ભારતમાં કાસ્ટ નક્કી કરે છે કે કોણ કોની જમીન લેશે, આ પાણી કોનું હશે, ઘોડા પર કોણ બેસશે. ઘોડો પર્યાવરણનો એક ભાગ છે છતાં એ પણ જાતિ વ્યવસ્થામાં વણાઈ ગયો છે."

ચીનમાં યોજાનારા યુથ પોએટ્રી ફેસ્ટિવલમાં તેમને કેટલો સમય ફાળવવામાં આવશે તે વિશે તેમની સાથે વાત થઈ શકી નથી. પરંતુ તેઓ પોતાની નવી અને કેટલીક જૂની અને જાણીતી કવિતાઓ રજૂ કરવાના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તેઓ ભારતમાં પ્રવર્તમાન જાતિ વ્યવસ્થા, દલિતોનું થતું શોષણ અને તેમના જીવન તરફ લોકોનું ધ્યાન દોરશે.

આ પણ વાંચો: આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.