જાતિવાદીઓનો દલિતવાસ પર હુમલોઃ 6 ઘાયલ, 3ને માથામાં કુહાડી વાગી

નજીવી બાબતે જાતિવાદી તત્વોએ દલિતવાસ પર હુમલો કર્યો છે. જેમાં 3 યુવકોને માથામાં કુહાડી વાગી છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

જાતિવાદીઓનો દલિતવાસ પર હુમલોઃ 6 ઘાયલ, 3ને માથામાં કુહાડી વાગી
image credit - Google images

જાતિવાદી તત્વોને જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ નજીવી બાબતે દલિતો અને તેમની વસ્તી પર હુમલો કરી દે છે. આવી અનેક ઘટનાઓ દેશભરમાં બનતી રહે છે, જેનો પછી કોઈ નિવેડો આવતો નથી અને જાતિવાદી તત્વો આરામથી જામીન મેળવી લે છે અને દાદાગીરી કરવા માંડે છે.

આવું જ કંઈક ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના બંદકી ગામમાં બન્યું છે. અહીં નજીવી બાબતમાં માથાભારે તત્વોએ દલિતવાસમાં ઘૂસીને દલિત મહિલાઓ સહિત અડધો ડઝન લોકો પર કુહાડી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. બદમાશોએ હુમલો કરી તમામને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેઓ આટલેથી અટક્યા નહોતા અને દલિત પરિવારના ત્રણ યુવાનોને માથામાં કુહાડીના ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.

હુમલાને લઈને દલિત સમાજના લોકો પણ રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશન પહોંચી જાતિવાદી તત્વોએ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો બતાવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર ઓફિસ પર પહોચી ગયા હતા અને ગુંડાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: એટ્રોસિટીના કેસમાં આંદોલન પછી જ આરોપીઓ પકડાય છેઃ નરેશ મહેશ્વરી

હુમલાખોરો ઠાકુર જાતિના છે અને તેમનો ત્રાસ એટલો છે કે, છેલ્લા 4 મહિનાથી દલિત બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે.

બિંદકી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુર્માબાદના રહેવાસી છેદીલાલ દલિત વસ્તીમાં રહે છે. તેમનો 16 વર્ષનો પુત્ર મોહિત ગામના ઠાકુરોના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક ઠાકુરોએ તેને અહીંથી ચાલીને નીકળવું નહીં એમ કહીને તેની સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો.

ઘાયલ થયેલા દલિત યુવક અમિત કુમારે જણાવ્યું કે, ડરના કારણે બાળકો છેલ્લા 4 મહિનાથી શાળાએ જઈ શક્યા નથી. માથાભારે અનુભવ સિંહે મોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી માર માર્યો હતો અને જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી ત્યારે જયહિંદ, અનુભવ સિંહ, વિજય કરણ, ભાનુ, રઘુનાથ સિંહ, વિકાસ સિંહ અને 5 અજાણ્યા લોકો લાકડીઓ, કુહાડીઓ સાથે ઘરે આવ્યા હતા અને તેના પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન પીડિતાની માતા, ભાઈ અને બહેન પર તેમણે ગાળાગાળી કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ મારામારીમાં સંદીપ અને બુધસેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેની માતા પ્રેમા દેવી અને બહેન આરતી દેવીને પણ ઈજાઓ થઈ હતી. તેઓ જેમતેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જો કે ત્યાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપી યોગ્ય સમગ્ર મામલે જાતિવાદી તત્વોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • ISHWARBHAI ROHIT
    ISHWARBHAI ROHIT
    Bahujan sachche News bina koi dar prasarit kare ... Jyada se jyada logo tak pahuche tabhi *saty* samaj tak pahuchega aur samajme jagruti aayegi..