ખેડાના વસોમાં 54 વર્ષના શખ્સે એક વર્ષમાં 4 બાળકીઓને પીંખી નાખી
3 બાળકીઓ પર દુષ્કર્મ અને એકની છેડતી કરનાર નરાધમ પોલીસ પકડમાં. ગામની બાળકીઓને ચોકલેટની લાલચ આપી શિકાર બનાવતો ચન્દ્રકાંત પટેલ ફોનમાં અશ્લીલ વીડિયો રાખતો હતો.
ખેડા જિલ્લાના વસો તાલુકાના એક ગામમાં એક નરાધમ વાંઢા આધેડે એક વર્ષમાં ચાર બાળકીઓને પોતાના હવશની શિકાર બનાવી હોવાની વાત બહાર આવતા જિલ્લાભરમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી છે. વસો પંથકમાં હાથના રૂંવાડાં ઊંચાં કરી દે એવો બનાવ દુષ્કર્મનો સામે આવ્યો છે. આધેડે છેલ્લા એક વર્ષમાં ચોકલેટની લાલચ આપી એક બાદ એક 4 બાળકીને હવસનો શિકાર બનાવી હતી. 4 બાળકી પૈકી એક બાળકીની માતાને આ વાતની જાણ થતાં નરાધમ ચન્દ્રકાંતનો ભાંડો ફૂટ્યો છે.
વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં આધેડે સગીર વયની 4 બાળકીને પીંખી નાખી છે. એક બાદ એક એમ 8થી 11 વર્ષની ચાર બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચાર પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે આ આરોપીનું નામ ચન્દ્રકાંત પટેલ જણાવ્યું છે. વધુમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ ચન્દ્રકાંત પોતે એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટિંગનું કામ કરે છે. પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી તેનો મોબાઈલ જપ્ત લીધો છે, જેમાં અશ્લીલ વીડિયો પણ મળ્યા છે. ખેડા જિલ્લા પોલીસ, LCB, Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું
આ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આરોપી ચન્દ્રકાંત ડાહ્યાભાઈ પટેલ 54 વર્ષનો છે. તે માનસિક વિકૃતિ ધરાવતો છે. છેલ્લા એક વર્ષથી આ ચન્દ્રકાંત પોતે ગામમાં પોતાના અડોશપડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો, એ બાદ દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં એક બાળકીની માતાને જાણ થતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો. એ બાદ તપાસ કરતાં અન્ય 3 જેટલી કુમળી બાળા પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. એ બાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. એક માસૂમની માતાએ ચન્દ્રકાંતનો ભાંડો ફોડ્યો હતો.
પોલીસે આ બનાવમાં તમામ કડીઓ જોડી પુરાવા મેળવવામાં આવ્યા છે, આમાં FSLની મદદ લેવામાં આવી છે. બીજી તરફ પીડિત બાળકીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીનો જે મોબાઇલ જપ્ત કર્યો છે એમાં અશ્લીલ વીડિયો પણ મળી આવતાં પોલીસે એ મોબાઈલને FSLમા મોકલી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગામના આગેવાનોની પણ પૂછપરછ કરવામાં આવી છે.પોલીસે માતાની ફરિયાદ તેમજ અન્ય દીકરીઓ સાથે પણ વાતચીત કર્યા બાદ આરોપીને પકડી BNS 65 (2) તેમજ પોસ્કો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું