વોર્ડ પ્રમુખ બનવા ભાજપ કાર્યકરે દસ્તાવેજોમાં જન્મ તારીખ બદલી નાખી

ભાજપના કાર્યકરે ઉમર નાની બતાવવા દસ્તાવેજમાં પોતાની જન્મતારીખ બદલી નાખી હતી. ભાંડો ફૂટતા પક્ષે સસ્પેન્ડ કરી દીધો.

વોર્ડ પ્રમુખ બનવા ભાજપ કાર્યકરે દસ્તાવેજોમાં જન્મ તારીખ બદલી નાખી
image credit - Google images

રાજનીતિ ફિલ્મનો એક ડાયલોગ છે – રાજનીતિ કા એક હી નિયમ હૈ, જીત – કિસી ભી કિમત પર. જો રાજકારણમાં તમારી પાસે કોઈ સત્તા કે હોદ્દો નથી તો તમારી કોઈ કિંમત નથી. સત્તા પક્ષના હોદ્દેદારો, નેતાઓનો એક અલગ મોભો હોય છે. આવો મોભો સૌ કોઈને મેળવવો હોય છે. પરંતુ રાજકોટના ભાજપના એક કાર્યકરે તો હદ કરી નાખી. તેણે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉમર નાની દર્શાવવા માટે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખી હતી. જો કે આ બાબતની ભાજપના સંગઠનને જાણ થતાં તેણે આ કાર્યકરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

ગુજરાત ભાજપના સંગઠનમાં હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે. એટલે આગામી દિવસોમાં પક્ષના સંગઠનના માળખામાં ફેરફારો થવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનમાં પણ કેટલાક મહત્વના પદો માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જેના અંતર્ગત તાલુકા પ્રમુખ કે વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપ દ્વારા કાર્યકરની 40 વર્ષની વયમર્યાદા નક્કી કરી છે. આ સંજોગોમાં વોર્ડ કે તાલુકા પ્રમુખ બનવા ઇચ્છુક અનેક કાર્યકરોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ત્યારે રાજકોટમાં વોર્ડ પ્રમુખ બનવા ઇચ્છુક ભાજપના એક કાર્યકરે સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરીને પોતાની જન્મ તારીખ બદલી નાખીને મોટો કાંડ કરી નાખ્યો. જેના કારણે વોર્ડ પ્રમુખ બનવું તો દૂર રહ્યું, પક્ષમાંથી સસ્પેન્ડ થવું પડ્યું છે.

રાજકોટ શહેર ભાજપના કાર્યકર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ એવા એવા વિપુલ માખેલા વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતો હતો. પરંતુ ભાજપ સંગઠનના નવા નિયમો મુજબ 40 વર્ષથી વધુ વયની વ્યક્તિ વોર્ડ કે તાલુકા પ્રમુખ બની શકે નહીં. જ્યારે ખાસ કિસ્સા વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદા નિશ્ચિત કરાઇ છે. પરંતુ વિપુલ માખેલા 50 વર્ષનો છે, પરંતુ વોર્ડ પ્રમુખ બનવાની લાલસા એટલી બધી હતી કે, તેણે સરકારી દસ્તાવેજો એવા જન્મના દાખલા અને આધારકાર્ડમાં પોતાની જન્મ તારીખ સાથે છેડછાડ કરીને પોતાની ઉમર છ વર્ષ નાની કરી હતી. વિપુલ માખેલાનો જન્મ 1974માં થયો હતો, પરંતુ તેણે જન્મના દાખલા અને આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1980 કરી નાખ્યું હતું. વિપુલ માખેલાની આ કરતૂત પક્ષના નેતાઓના ધ્યાને આવી હતી. જેના અંતર્ગત ભાજપ દ્વારા વિપુલ માખેલાને પક્ષમાં સસ્પેન્ડ કરી દીધો છે.

આ પણ વાંચો: 15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.